ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડીયા-કુંકાવાવ તાલુકા કક્ષાનો કાર્યક્રમ વડિયા ખાતે મહારેલીના રૂપમાં યોજાયો હતો. ટ્રેક્ટરોમાં બેનરો લગાવી મોટી સંખ્યામાં હોદેદારો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. સુરગવાળા હાઈસ્કૂલથી શરૂ થયેલી રેલી મુખ્ય બજાર થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન સંસ્કૃતના શ્લોકો અને સૂત્રોથી વડિયાની બજાર ગુંજી ઉઠી હતી. રેલીમાં જિલ્લા પંચાયત સદસ્ય પારૂલબેન દાફડા, તાલુકા પંચાયત સદસ્ય હિતેષભાઈ રામાણી, હરેશભાઈ રાદડિયા, ચેતનભાઈ દાફડા, નાયબ મામલતદાર દીપકભાઈ મકવાણા સહિત શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.










































