રાજુલાના નિંગાળા ગામે સાસરી પક્ષ દ્વારા પત્ની સાથે મુલાકાત ન કરવા દઈ ઘરમાંથી કાઢી મૂકવામાં આવતાં મનમાં લાગી આવવાથી એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ ધારીના મોરજર વાડી વિસ્તારમાં રહેતા અને હાલ સુરત સ્થાયી થયેલા મૌલિકભાઈ ભરતભાઈ સોલંકી (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમની સગાઈ નિંગાળા ગામે રહેતા પ્રવિણભાઈ લાખાભાઈ સોલંકીની દીકરી રિંકુ સાથે થઈ હતી. જોકે, કોઈ કારણોસર યુવતીના પિતાએ આ સગાઈ તોડી નાખી હતી. બંને એકબીજાને ચાહતા હોવાથી અને લગ્ન કરવા માંગતા હોવાથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઘરેથી નીકળી ગયા હતા અને જૂનાગઢ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને સુરત ખાતે રહેતા હતા. દરમિયાન ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન મારફતે રિંકુના માતા-પિતા તેને સુરતથી પોતાના ઘરે પરત લઈ આવ્યા હતા. આથી યુવક પોતાની પત્ની રિંકુને મળવા માટે નિંગાળા ખાતે પોતાના સસરાના ઘરે પહોંચ્યો હતો. જોકે, સાસરી પક્ષે યુવકને તેની પત્ની સાથે મળવા દીધો ન હતો અને ઘરમાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. પત્ની સાથે મુલાકાત ન થતાં અને સાસરી પક્ષના આવા વર્તનથી આઘાત પામીને તેણે પોતાની પાસે રહેલા જંતુનાશક દવાના પેકેટમાંથી ઝેરી દવા પી લીધી હતી. આ મામલે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































