અમરેલી શહેરમાં વિદ્યાસભા ખાતે અમરેલી જિલ્લા મહિલા ખોડલધામ સમિતિ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા. ૨૯ના રોજ રાત્રે ૮ઃ૩૦ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા ખોડલધામ સમિતિની બહેનોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમનું યજમાનપદ દુલાભાઈ દેસાઈ પરિવાર દ્વારા સંભાળવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને મહાઆરતીથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા કન્વીનર સરલાબેન ગજેરાએ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે માહિતી આપી હતી અને પોતાના શબ્દોથી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બહેનોએ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં મટકીફોડ કાર્યક્રમ, રાસ-ગરબા તેમજ કાન્હાના વધામણાં સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાસ-ગરબા અને મટકીફોડ દરમિયાન ઉપસ્થિતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે કરવામાં આવી હતી.આ પ્રસંગે રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ અને જેનીબેન ઠુંમરે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. તેમણે સમાજમાં મહિલાઓની ભૂમિકા, સંગઠનની કામગીરી અને ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમને અંતે યજમાન દુલાભાઈ દેસાઈ પરિવાર તરફથી ઉપસ્થિત મહેમાનો અને બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ ગણપતભાઈ સેંજલીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રસીલાબેન મોવલીયા, હિરલબેન કાથરોટીયા, કેતનભાઈ કાનપરીયા અને ભરતભાઈ બાવીશી, નિલેશભાઈ મુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વસંતભાઈ મોવલીયા, ધીરુભાઈ અકબરી, કાળુભાઈ સુહાગીયા, દિનેશભાઈ ભુવા, શંભુભાઈ દેસાઈ, ચતુરભાઈ ખૂંટ, વસંતભાઈ પેથાણી, કાંતિભાઈ વઘાસીયા, ગોરધનભાઈ ગેડિયા, ડો.જી.જે. ગજેરા, દયાળભાઈ સંઘાણી, એમ.કે.સાવલીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાવરકુંડલા પાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિત અમરેલી જિલ્લાભરમાંથી મહિલા કન્વીનર, સહકન્વીનર તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી.









































