મોંઘવારી વધે ત્યારે આપણે સૌ ચિંતિત થઈ જઈએ છીએ. શાકભાજીના ભાવ વધ્યા હોય, પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું હોય, દૂધના ભાવમાં વધારો થયો હોય કે ઘરનું બજેટ ખોરવાઈ ગયું હોય;તુરંત ચર્ચા શરૂ થઈ જાય છે. “આ મોંઘવારી ક્યાં જઈને અટકશે?” એવો પ્રશ્ન દરેકના મનમાં ઊભો થાય છે.પરંતુ ક્યારેક એવો પ્રશ્ન પણ મનમાં થવો જોઈએ કે મોંઘવારી કરતાં પણ વધુ ઝડપથી આપણા જીવનમાંથી માનવતા તો ઘટી રહી નથી ને?
મોંઘવારી ખિસ્સાને અસર કરે છે, જ્યારે માનવતાનો અભાવ આખા સમાજના હૃદયને અસર કરે છે. મોંઘવારીથી જીવન થોડું મુશ્કેલ બને છે, પરંતુ માનવતા ઘટી જાય તો જીવનમાંથી લાગણી, સંવેદના, સહકાર અને વિશ્વાસ જ ખતમ થવા લાગે છે.
આથી જ આજના સમયમાં વિચારવા જેવી વાત છે કે મોંઘવારી બજારમાં જોવા મળે છે,માનવતાની મોંઘવારી માણસના વર્તનમાં જોવા મળે છે.અને કદાચ આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે મોંઘવારી વધે છે તેની આપણને ચિંતા છે, પરંતુ માનવતા ઘટે છે તેની ચિંતા નથી.
માનવતા બતાવવા માટે કરોડપતિ હોવા જરૂર નથી માનવતા માટે મોટી સંપત્તિની કરતા વધુ સહાનુભૂતિ જરૂરી છે.રસ્તા પર તરસ્યા માણસને પાણી આપવું પણ માનવતા છે.બસમાં વડીલ,બાળક કે મહિલાને બેઠક આપવી પણ માનવતા છે. અજાણ્યા માણસને રસ્તો બતાવવો પણ માનવતા છે.ગરીબ બાળકને પુસ્તક આપવું પણ માનવતા છે.કોઈની ભૂલને માફ કરી દેવી પણ માનવતા છે. કોઈ દુઃખી વ્યક્તિની વાત શાંતિથી સાંભળવી પણ માનવતા છે.અને કોઈની મજબૂરીનો લાભ ન લેવો એ તો સૌથી મોટી માનવતા છે.આ માટે માત્ર બેંક બેલેન્સ જ નહીં પણ વિશાલ હૃદય હોવું જોઈએ.
માણસાઈના વ્યવહારમાં ક્યારેક નાની મદદ પણ કોઈના જીવનમાં મોટી આશા બની જાય છે. આપણે બાળકોને શું શીખવી રહ્યા છીએ? “સારા માર્ક્સ લાવો.”“મોટી નોકરી મેળવો.” “સફળ બનો.” “પૈસા કમાવો.” આ બધું જરૂરી છે.પરંતુ એમાં એક સૌથી મહત્વની વાત ઉમેરવાની જરૂર છે કે “સારા માણસ બનો.”
જો બાળક મોટો થઈને ડાક્ટર બને અને દર્દીની મજબૂરીનો લાભ લે તો? જો બાળક અધિકારી બને અને ગરીબ માણસને કલાકો સુધી બેસાડે તો? જો બાળક કરોડપતિ બને પણ પોતાના વૃધ્ધ માતા-પિતાને સમય ન આપે તો? તો તેની સફળતા અધૂરી નથી? આથી બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પણ જોઈએ.ડિગ્રી માણસને શિક્ષિત બનાવે છે,પરંતુ સંસ્કાર તેને માનવી બનાવે છે.સોશિયલ મીડિયા પર હજારો “લાઈક”, જીવનમાં એક પણ “સાથે” નહી
પૈસાથી સમૃધ્ધ થવું સારી બાબત છે પરંતુ દિલથી સમૃધ્ધ થવું વધુ સારી બાબત છે. માનવતાની શરૂઆત પોતાનાથી થવી જોઈએ, સમાજ બદલવાની વાત આપણે ઘણી કરીએ છીએ. પરંતુ સમાજ એટલે કોણ? આપણે જ! આથી માનવતા માટે શરૂઆત પણ આપણાથી જ થવી જોઈએ.
અંતે એક પ્રશ્ન…
મોંઘવારી સામે સરકાર પગલાં લઈ શકે છે. બજારના ભાવ નિયંત્રિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. આવક વધારવાના કૈક યોજના અમલમાં મૂકી શકાય છે.પરંતુ માનવતા ઘટી જાય ત્યારે તેને પાછી લાવવા માટે કયો કાયદો બનાવવો? કઈ યોજના શરૂ કરવી? કયુ બજેટ ફાળવવુ? માનવતા બજારમાં વેચાતી વસ્તુ નથી.તે તો આપણા વર્તનમાં જીવાતી દેખાતી હોય છે. આપણે કોઈને એક સ્મિત આપીએ છીએ ત્યારે તે મુંજાયેલા માણસને દેખાતી છે. કોઈના આંસુ લૂછીએ ત્યારે એ લાચાર વ્યક્તિને દેખાતી છે. કોઈને માફ કરીએ ત્યારે ભૂલ કરનારને દેખાતી હોય છે. કોઈ માણસને મદદ કરીએ ત્યારે એ જરૂરિયાતમંદ ને દેખાતી હોય છે. અને કોઈના દુઃખમાં તેની સાથે નિઃશબ્દ ઊભા રહીએ ત્યારે તો તે દુઃખી વ્યક્તિના દિલમાં દવાની જેમ દેખાતી હોય છે.
આથી મોંઘવારીથી ડરવું જરૂરી છે, પરંતુ માનવતાની ઘટતી જતી મોંઘવારીથી ડરવું પણ જરૂરી છે. ચાલો, આજે એક નાનકડો સંકલ્પ કરીએ કે કોઈના જીવનમાં સમસ્યા નહીં, સમાધાન બનીશું. કોઈના દુઃખમાં તમાશબીન નહીં, સહભાગી બનીશું. કોઈની મજબૂરીમાં વેપાર નહીં, સહારો બનીશું.
અને સૌથી મહત્વનું માણસાઈને શબ્દોમાં નહીં, વ્યવહારમાં જીવંત રાખીશું. કારણ કે આવતી પેઢીને આપણે માત્ર મોટા મકાનો, મોંઘી કારો અને ભરપૂર બેંક બેલેન્સનો વારસો આપીએ એ પૂરતું નથી. તેમને એક એવો સમાજ પણ આપવો પડશે, જ્યાં માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તેને પૂછનાર કોઈ હોય કે “શું થયું?” અને જવાબ મળેઃ “ચિંતા ન કરશો… હું તમારી સાથે છું.”
અને વધતી જતી મોંઘાવરીને પણ કાબુમાં લાવી શકે એવી દુનિયાની એક જ એવી સૌથી મોટી સંપત્તિ છે જેનું નામ છેઃ
માનવતા!
આપણે જીવનધોરણ ઊંચું કર્યું છે, પરંતુ શું જીવનનું ધોરણ પણ ઊંચું કર્યું છે?
પદ મોટું હોય કે નાનું, માણસની ઓળખ તેની માનવતાથી થાય છે.