આજના સમયમાં વ્યક્તિગત સ્વતંત્રતા Privacy અને સમૂહજીવન Collective Living વચ્ચે સંતુલન જાળવવું એ જીવનની સૌથી મોટી કળા બની ગઈ છે.સોશિયલ મીડિયાના કારણે વ્યક્તિ ખાસ કરીને યુવાન કે યુવતી કુટુંબ કે પરિવારના સભ્યો સાથે પોતાની અંગત બાબતો કે મુશ્કેલીઓ શેર કરવાને બદલે સોસીયલ મીડિયામાં શેર કરીને ફ્રેશ થવા પ્રયત્ન કરે છે. હકીકતમાં આ હરકત ઘણીવાર જે તે વ્યક્તિ માટે ખૂબ મોટી નુકશાનકારક સાબિત થાય છે.જેણે આપણને જન્મ આપ્યો હોય એ માતા,પરવરીશ કરી હોય એ પિતા કે લાડકોડ કરનાર ભાઈ ભગિની જે બધા આપણા હિતેચ્છુ પાત્રો હોય એની સાથે અંતર રાખીને જેની સાથે આંખની ઓળખાણ ના હોય જેને કોઈ દિવસ જોયેલ ના હોય જેનો સ્વભાવ જાણતા ના હોય,જેના માટે આપણા હીત ને બદલે પોતાનો અંગત સ્વાર્થ જ સિધ્ધ કરવો હોય એવા અજાણ્યા પાત્રો સાથે મીડિયા મૈત્રી કરીને એને અંગત બાબતો શેર કરવાથી આપણું ભવિષ્ય જોખમાય છે. ઘણાની જિંદગી બરબાદ થઈ જાય છે. ઘટનાઓ એવી ઘટે છે કે કેટલાય કુટુંબ પરિવારોના માળા વિખાઈ જાય છે.પછી પ્રશ્ન એવો પેચીદો બની જાય છે કે પાછું વળી શકાતું નથી અને આગળ વધવામાં ભવિષ્ય ધૂંધળું ભાસતું હોય છે.
આધુનિક યુગે માણસને અનેક સુવિધાઓ આપી છે, પરંતુ સાથે એકલતા પણ વધારી છે. આજે દરેક વ્યક્તિ પોતાનો અલગ રૂમ, અલગ મોબાઇલ, અલગ દુનિયા અને અલગ વિચારોમાં જીવવા લાગી છે.‘‘મારી પ્રાઇવેસી’’ના નામે સંબંધોમાં અંતર વધતું જાય છે. જ્યારે એક સમય એવો હતો કે સંયુક્ત પરિવારમાં એક જ છત નીચે અનેક પેઢીઓ પ્રેમ, સહકાર અને સંસ્કાર સાથે રહેતી હતી.
પ્રાઇવેસી – જરૂરિયાત કે અતિરેક?
પ્રાઇવેસી ખરાબ નથી. દરેક વ્યક્તિને પોતાના વિચારો, સમય અને વ્યક્તિગત જીવનનો અધિકાર છે. પરંતુ જ્યારે પ્રાઇવેસી સંબંધોથી મોટી બની જાય ત્યારે મુશ્કેલીઓ શરૂ થાય છે.ઘરના વડીલની સલાહ કોઈને ગમતી નથી,આપણા હિત માટે સાચો ઠપકો આપનાર પરિવારના પાત્રોની વાત સાંભળવાના બદલે આજે ઘરમાં ચાર સભ્યો હોય છતાં ચારેય અલગ મોબાઇલમાં વ્યસ્ત હોય છે. સાથે બેસવાનો સમય નથી, દિલની વાત કરવાનો સમય નથી.સહનશીલતા ખૂબ ઘટી ગઈ છે.કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી.સૌને પોતાની પ્રાઈવસીને પ્રાથમિકતા આપવી છે. પરિણામે એક જ ઘરમાં રહેતા લોકો પણ એકબીજાથી અજાણ બની રહ્યા છે.એનાથી વિપરીત અજાણ લોકો પર આંધળો ભરોસો મૂકીને આભાસી ઓથ મેળવવાની માયાજાળમાં ફસાઈ જવાય છે. આપણે ત્યાં એક કહેવત છેઃ ‘‘ઘરની દિવાલો મજબૂત હોવી સારી, પરંતુ દિલોની વચ્ચે દિવાલો ઊભી થાય તો ઘર મકાન બની જાય.’’
સમૂહજીવનના ફાયદા
સમૂહજીવન માણસને સહકાર, સહનશીલતા, ત્યાગ અને પ્રેમ શીખવે છે. સંયુક્ત પરિવારમાં બાળકને દાદા-દાદીનો અનુભવ, માતા-પિતાનો પ્રેમ અને ભાઈ-બહેનોનો સાથ મળે છે.મુશ્કેલીના સમયમાં આખો પરિવાર એકબીજાનો આધાર બને છે. ખુશી હોય કે દુઃખ, બધું વહેંચાઈ જાય છે.પોતાની ખુશી માટે નહીં પણ પરિવારના સભ્યોની ખુશી માટેનો સમર્પણ ભાવ કુટુંબ જીવનમાં જોવા મળે છે.એક સમય એવો હતો કે પરિવારના નાના મોટા કોઈપણ સભ્યની કોઈ બીમારી વખતે વડીલો બાધા, માનતા કે કોઈ ટેક રાખતા જેને આધુનિક યુગમાં અંધ શ્રધ્ધા તરીખે જોવામાં આવે છે.હકીકતમાં પધ્ધતિ કે પ્રક્રિયા ભલે યોગ્ય લાગતી ના હોય પણ એનો હેતુ શુધ્ધ પ્રેમની નીતરતો હોય છે.કોઈ પાત્રના સ્વાસ્થ્ય માટે ઘરની વડીલ વ્યક્તિ પોતાને ભાવતી પ્રિય વાનગી કે વસ્તુનો ત્યાગ કરે એ કેટલું મોટું સમર્પણ કહેવાય! એજ ખરું સમુહજીવન છે.ઘરમાં ભલે રાસ રસીલું ઓછું હોય,ટાંચા સાધનો અને ઓછી સગવડતા વચ્ચે પણ જ્યારે પરિવારના સભ્યો એકબીજાના સુખે સુખી અને દુખે દુઃખી રહેતા હોય છે.એ સયુંકત કુટુંબ કે સમૂહ જીવનનો સૌથી મોટો ફાયદો છે. એક કહેવત ખૂબ સુંદર છેઃ‘‘એક લાકડી સહેલાઈથી તૂટી જાય, પરંતુ લાકડીઓનો ભારો તોડવો મુશ્કેલ બને.’’આ જ સમૂહજીવનની તાકાત છે.
એક જૂનું પણ પ્રેરણાદાયક ઉદાહરણ છે કે એક
વૃધ્ધ પિતાને ચાર દીકરા હતા. ચારેય હંમેશા ઝઘડતા. એક દિવસ પિતાએ તેમને લાકડીઓનો ભારો આપ્યો અને કહ્યું, ‘‘તોડો.’’ કોઈ તોડી શક્યું નહીં. પછી એક-એક લાકડી આપી તો સહેલાઈથી તૂટી ગઈ.પિતાએ સમજાવ્યુંઃ ‘‘જ્યાં સુધી સાથે રહેશો ત્યાં સુધી કોઈ તમને તોડી નહીં શકે. અલગ પડશો તો મુશ્કેલીઓ સામે નબળા પડી જશો.’’ આ નાનકડો પાઠ આખા જીવન માટે પૂરતો છે.
પારિવારિક જીવનનું મહત્વઃ
પરિવાર માત્ર લોહીનો સંબંધ નથી; તે લાગણીનું આશ્રયસ્થાન છે. જ્યાં પ્રેમ હોય, માફી હોય, સંવાદ હોય અને વિશ્વાસ હોય ત્યાં સુખ આપોઆપ વસે છે.માતા પિતા અને વડીલોને વંદન કરવાથી વેદનું જ્ઞાન આપોઆપ મળી ગયું ગણાય.આજની અમુક આધુનિક માતાઓ તો પોતાના નાના બાળકોને વૃધ્ધ દાદા દાદી પાસે જવા દેવાના બદલે હાથમાં મોબાઈ આપી દે છે. પછી એ બાળકમાં માનવીય ગુણો, આપણી સંસ્કૃતિ કે આપણા વારસાની વાતો ને બદલે યાંત્રિક ધમાલ અને એકલતાનું બીજારોપણ થાય છે.પ્રાચીન સમયની અમુક માન મર્યાદાઓ,રીત રિવાજો ને આપણા પૂર્વજોએ ધર્મ સાથે એટલે જ જોડ્યા હતા.જેથી પેઢી દર પેઢી સંસ્કારોનો વારસો જળવાઈ રહે.પરંતુ આધુનિકતા ના ઓઠા નીચે આજના યુવાન યુવતીઓ આ બધી બાબતો સુગ સુગ ધરાવે છે ત્યાં કુટુંબ જીવનમાં પ્રશ્નો ઉભા થાય. એના મૂળમાં વિભક્ત કુટુંબ પ્રથા ના કારણે ઘરમાં કોઈ રોકનાર કે ટોકનાર વડીલોની ગેરહજરી જવાબદાર છે.જે ઘર પરિવાર સત્સંગી હોય ત્યાં આજે પણ ફોરેન અભ્યાસ કરતા કે ત્યાં કાયમી વસવાટ કરતા પરિવારોએ મૂળ સંસ્કૃતિ જાળવી રાખી છે. જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.એનાથી વિરુધ્ધ જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશના નાના ગામડાઓ કે શહેરોમાં આજે
વૃધ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, બાળકોમાં એકલતા વધી રહી છે અને માનસિક તણાવ સામાન્ય બન્યો છે. તેનું એક મોટું કારણ સંબંધોમાં વધતું અંતર છે. સ્વતંત્ર જીવન શૈલી છે. આ બધાની વચ્ચે સંતુલન જ સાચો માર્ગ: પ્રાઇવેસી રાખવી જરૂરી છે, પરંતુ એટલી નહીં કે પોતાના લોકો જ પારકા બની જાય. વ્યક્તિગત સ્વતંત્રતા અને પારિવારિક જવાબદારી બંને સાથે ચાલે ત્યારે જ સાચું સુખ મળે છે. આધુનિક બનવામાં વાંધો નથી, પરંતુ સંબંધો ગુમાવીને આધુનિક બનવું બુધ્ધિમાની નથી. ઘરની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પરિવારનો પ્રેમ, વિશ્વાસ અને એકતા છે.વેદો, ગ્રંથો,ઉપનિષદોનો સાર પણ એજ છે કે કરુણા, સ્નેહ,સહાનુભૂતિ,સહનશીલતા,સદાચાર અને સંતોષ જ જુવાનનું સાચું સુખ છે.માત્ર વ્યક્તિગત સુખ નહીં પણ પારિવારિક સુખની સંકલ્પના માટે માત્ર આધુનિક જીવન શૈલી નહીં પરંતુ સાથે ધર્મ અને પ્રાચીન
સંસ્કૃતિનો સમન્વય જ પ્રત્યેક મનુષ્યને સાચા અર્થમાં સુખી બનાવી શકશે. આખું વિશ્વ પણ એક કુટુંબ છે ત્યારે જે દેશોમાં વિજ્ઞાનની સાથે આધ્યાત્મ નો સમન્વય ના હોય ત્યાં યુધ્ધજ થાય અને જ્યા વિજ્ઞાનને આધ્યાત્મનો
આધાર હોય ત્યાં વાટાઘાટો થી યુધ્ધને રોકી શકાય છે.જે બાબત પણ વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરે છે.










































