સુરત શહેરમાં “માતાજીની વિધિ” અને “પિતૃદોષ નિવારણ”ના નામે લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ સોનાના દાગીના પડાવી લેતી ટોળકીનો લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજકોટના બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ઓગાળેલી સોનાની લગડીઓ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ લસકાણા પોલીસ સ્ટેશનનો એક અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના બે મળી કુલ ત્રણ ગુનાઓ આચર્યાનું તપાસમાં બહાર આવ્યું છે.
મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ અભિયાન અંતર્ગત ટેÂક્નકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજકોટમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં કાળુનાથ લખુનાથ નકુમ (ઉંમર ૩૭), રહેવાસી આનંદપર નવાગામ, રાજકોટ તથા દેવાયત કાનજીભાઈ નાથબાવા (રાઠોડ) (ઉંમર ૩૬), રહેવાસી પડધરી તાલુકો, રાજકોટનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજકોટથી બસ મારફતે સુરત આવતા હતા અને શહેરના વિવિધ કાઠિયાવાડી વિસ્તારોમાં ફરી ઉંમરલાયક પુરુષો અને મહિલાઓને ઓળખાણ કેળવતા હતા. તેઓ લોકોને “રામાપીરના મંડળમાં જમવા આવજા” જેવી વાતો કરીને વિશ્વાસમાં લેતા અને પછી તેમના ઘરમાં પિતૃદોષ હોવાથી પરિવારના સભ્યો વારંવાર બીમાર પડે છે તેમજ ઘરમાં પૈસા ટકતા નથી તેવી વાત કહી ખાસ ધાર્મિક વિધિ કરાવવાની સલાહ આપતા હતા. વિધિ માટે તેઓ મહિલાઓને ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને ઘરના સોનાના દાગીના લાવવા કહેતા હતા. ત્યારબાદ મંત્રોચ્ચાર અને જાપ કરાવવાના બહાને દાગીના પોતાના કબજામાં લઈ પળવારમાં ત્યાંથી ફરાર થઈ જતા હતા. ઘણા પરિવારોને દાગીના ગુમ થયા બાદ છેતરાયા હોવાની જાણ થતી હતી.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓ ચોરાયેલા દાગીનાની કોઈ ઓળખ ન રહે તે માટે તરત જ ઓગાળી સોનાની લગડી બનાવી દેતા હતા. બાદમાં આ લગડીઓ વેચવાનો ઇરાદો રાખતા હતા. જોકે તે પહેલાં જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી વિવિધ ગુનાઓમાં મેળવેલો મુદ્દામાલ કબજે કર્યો છે.
લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ એક સોનાની વીંટી (આશરે ૫ ગ્રામ), એક જાડી સોનાની બુટ્ટી (આશરે ૧૦ ગ્રામ) તેમજ રૂ. ૫૧૦૦ રોકડ મળી કુલ અંદાજે રૂ.૧.૫૫ લાખની છેતરપિંડી આચરી હતી. આ દાગીના ઓગાળીને બનાવેલી આશરે ૧૫.૦૮૦ ગ્રામ સોનાની લગડી અને રોકડ રકમ પોલીસે કબજે કરી છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનના પ્રથમ ગુનામાં આરોપીઓએ બે સોનાની વીંટીઓ (આશરે ૬ ગ્રામ) સાથે રૂ. ૬૦ હજારની છેતરપિંડી કરી હતી. તે દાગીનામાંથી બનેલી ૬.૦૫૦ ગ્રામ સોનાની લગડી પોલીસે જપ્ત કરી છે. બીજા ગુનામાં બે સોનાની બુટ્ટી (આશરે ૭ ગ્રામ) અને રૂ. ૨૦૦૦ રોકડ મળી અંદાજે રૂ.૭૨૦૦૦ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાંથી બનેલી ૭.૦૯૦ ગ્રામ સોનાની લગડી તથા રોકડ પણ પોલીસે કબજે કરી છે.
સમગ્ર કાર્યવાહી લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એન.આર. પટેલ તેમજ તેમની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે હાથ ધરી હતી. ટીમે રાજકોટ સુધી પહોંચી આરોપીઓને ઝડપી પાડી ત્રણ અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિઓ જો ધાર્મિક વિધિ, પિતૃદોષ દૂર કરવાની વિધિ અથવા માતાજીના નામે સોનાના દાગીના માંગે તો તેમના પર વિશ્વાસ ન કરવો. કોઈપણ અજાણી વ્યક્તિને સોનાના ઘરેણા અથવા કિંમતી વસ્તુઓ ન આપવી અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.










































