સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે કેસમાં પ્રથમ દ્રષ્ટિએ ગંભીર પુરાવા સામે આવ્યા છે અને મની લોન્ડરિંગ કાયદા હેઠળ જામીન આપવા માટેની જરૂરી શરતો પૂર્ણ થતી નથી.
ઈડીના આરોપ મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાની મંજૂરી આપવા માટે લાંચનું સુનિયોજિત નેટવર્ક કાર્યરત હતું. તપાસમાં સામે આવેલા આક્ષેપો મુજબ લાંચની કુલ રકમમાંથી ૫૦ ટકા હિસ્સો કલેક્ટરને, ૨૫ ટકા નિવાસી અધિક કલેક્ટરને અને બાકીનો હિસ્સો અન્ય સ્ટાફને આપવામાં આવતો હતો.
રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ૫૦૧ અરજીઓની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં અંદાજે ૭.૧૪ કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ હોવાનું ઈડીએ કોર્ટમાં રજૂ કર્યું હતું. તેમાં પૂર્વ કલેક્ટરનો હિસ્સો ત્રણ કરોડ રૂપિયાથી વધુ હોવાનું પણ એજન્સીનું કહેવું છે.
અરજદાર તરફથી સિનિયર એડવોકેટ સુધીર નાણાવટીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, રાજેન્દ્ર પટેલને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યા છે. કોઈ ખેડૂત અથવા ભોગ બનનારનું નિવેદન લેવામાં આવ્યું નથી અને મૂળ ભ્રષ્ટાચારના કેસમાં હજુ સુધી ચાર્જશીટ દાખલ થઈ નથી. તેથી માત્ર મની લોન્ડરિંગના કેસ હેઠળ કાર્યવાહી કરવી યોગ્ય નથી. અન્ય સહ-આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી નથી, જેથી સમાનતાના આધારે જામીન મળવા જાઈએ. ઉપરાંત તેમની તબિયતને ધ્યાનમાં રાખીને પણ જામીન આપવા રજૂઆત કરવામાં આવી હતી.
હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્ર અને લોકશાહીના પાયાને ગંભીર નુકસાન પહોંચાડે છે. અરજદાર સામેના આરોપો ગંભીર છે અને પુરાવા સાથે ચેડાં કરવાની તેમજ સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. તબીબી કારણો પણ જામીન આપવા માટે પૂરતા નથી, કારણ કે જેલમાં જરૂરી સારવાર ઉપલબ્ધ થઈ શકે છે.
અરજદાર તરફથી સિનિયર એડવોકેટ સુધીર નાણાવટીએ રજૂ કરેલી દલીલો છતાં, ઈડી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.
મહત્વપૂર્ણ છે કે, સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પ્રિવેન્સન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસનો સામનો કરી રહ્યાં છે. ૨ જાન્યુઆરીએ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ગુજરાતના રાજ્યપાલના હુકમથી ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ ૧૯૬૯ના નિયમ ૩ના પેટા નિયમ (૨) મુજબ ૨ જાન્યુઆરી ૨૦૨૬ની તારીખથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. મહત્વપૂર્ણ બાબત એ છે કે, એ કરેલી ધરપકડ અને પીએમએલએ એક્ટ હેઠળ કોઇ કલેકટર સામે આવી કાર્યવાહી થઈ હોય તેવો ભારતમાં આ પહેલો કેસ છે.










































