અમરેલી અને ગીરકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માનવ અને સિંહ ઘર્ષણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સ્થિતિને કાબૂમાં લેવા વન વિભાગે ગીરના વિવિધ રેન્જ વિસ્તારમાંથી અંદાજે ૩૦ જેટલા સિંહને પાંજરે પૂરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વન વિભાગની ‘માસ કેપ્ચરિંગ’ની કાર્યવાહી સામે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગીરકાંઠા અને રેવન્યુ વિસ્તારમાંથી ૩૦ જેટલા સિંહને પાંજરે પુરવામાં આવ્યા છે. મહુવા રેન્જ વિસ્તારમાંથી ૩ સિંહ, ખાંભા રેન્જના ચતુરી ગામ વિસ્તારમાંથી ૧૨ સિંહ, સાવરકુંડલા નજીક જુનાસાવર વિસ્તારમાંથી ૧ સિંહ, જસાધાર રેન્જમાંથી ૬ સિંહ, બગસરાના ઘટિયાણ વિસ્તારમાંથી ૪ સિંહ, રાજુલાના કોવાયા વિસ્તાર નજીકથી ૪ સિંહ અને રાજીલાના હિંડોરણા વિસ્તાર નજીકથી ૧ સિંહને પાંજરે પુરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી માનવ મૃત્યુ અને હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ આ સમગ્ર મામલે સિંહપ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ સાથે સંકળાયેલા કેટલાક વર્ગોમાં નારાજગી જાવા મળી રહી છે. સિંહપ્રેમીઓનું માનવું છે કે માનવ મૃત્યુની ઘટનાને આધારે મોટી સંખ્યામાં સિંહોને પાંજરે પૂરવામાં આવતા નિર્દોષ સિંહો પણ તેની અસર હેઠળ આવી રહ્યા હોવાની શક્યતા છે.
સિંહ પ્રેમીઓ દ્વારા એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જા મોટી સંખ્યામાં પકડાયેલા સિંહોને ગીરના જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવશે તો પહેલાથી રહેલા સિંહો વચ્ચે વિસ્તાર અને પ્રભુત્વને લઈને ઘર્ષણ સર્જાઈ શકે છે. જંગલમાં દરેક સિંહનું પોતાનું ટેરિટરી ક્ષેત્ર હોય છે અને નવા સિંહોના પ્રવેશથી સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે.
કેટલાક વાઈલ્ડ લાઈફ કાર્યકરો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સિંહોને પકડવાની કાર્યવાહી દરમિયાન વાઈલ્ડ લાઈફ એક્ટ અને નિર્ધારિત પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થવી જાઈએ.એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ કાર્યવાહી થઈ કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ ગીર પૂર્વ અને બૃહદ ગીર વિસ્તારમાં સાવજાને પાંજરે પૂરવા માટે વન વિભાગના કર્મચારીઓની દોડધામ વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સરકાર અને વન વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવે તેવી લોકો તેમજ સિંહપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાવજાના સંરક્ષણ, માનવ સુરક્ષા અને વાઈલ્ડ લાઈફ નિયમોના પાલન વચ્ચે સંતુલન જાળવવાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ અંગે ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ મેમ્બર ભૂષણ પંડ્યા જ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.
“લાયન શોમાં જે પકડાય તેને કડકમાં કડક સજા થવી જાઈએ.૨૫-૫૦ હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દઈએ તો એ તો પાછા આમાંથી કમાઈ લેશે, એને જેલની સજા થવી જોઈએ.” ભૂષણ પંડ્યા, ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ મેમ્બર સિંહોના સંરક્ષણ માટે માત્ર માસ કેપ્ચરિંગ (પકડવાની કામગીરી) કાયમી ઉકેલ નથી, પરંતુ તે સમસ્યાને જટિલ બનાવી શકે છે. સિંહોને પકડીને ગીરના જંગલમાં છોડવામાં આવે તો બીજા સિંહની ટેરેટરીમાં આવતા મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિનું નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે.










































