ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ૨૦૦ નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ ગામમાં કુલ ૬ નવી કમ્પોઝીટ શાળાઓને મંજૂરી મળી છે. આ નવી શાળાઓ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે દૂર જવાની જરૂર ઓછી થશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થશે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચાને મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.