ગોંડલના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં જેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશનની બહાર ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટમાં કરંટ ઉતરતા ૩૫થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ૭ જેટલા ઘેટાં ઇજાગ્રસ્ત થયા હતા. માલધારી હરેશભાઈ આજરાના જણાવ્યા મુજબ કુલ ૪૭ ઘેટાંને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ, પશુચિકિત્સક, એફએસએલ અને પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પીજીવીસીએલે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ પગલા લીધા નહોતા. યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત ઘેટાં નહીં હટાવવાની માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે.










































