પાણીયા રેન્જમાં ઈનફાઈટમાં સિંહબાળનું મોત થયુ હોવાની આશંકા
બગસરા તાલુકાના હામાપુર ગામના રેવન્યુ વિસ્તારામાં તાજા જન્મેલા સિંહબાળનું મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલીના નાયબ વન સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બીટ વન રક્ષક સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન રેવન્યુ વિસ્તારની એક વાડીમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહબાળનું મૃત્યુ અંદાજે બે દિવસ અગાઉ થયું હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી સિંહબાળના મૃતદેહને ધારી એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તમામ નિયમોનું પાલન કરીને વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહબાળનું મૃત્યુ કોઈ ઇજા કે શંકાસ્પદ કારણોથી નહીં પરંતુ સંપૂર્ણપણે કુદરતી અને નૈસર્ગિક કારણોસર થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રેન્જનો સમગ્ર સ્ટાફ સતત હાજર રહ્યો હતો. ઘટના બાદ વન વિભાગે આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને સ્કેનિંગ શરૂ કર્યું છે. વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં સિંહ અથવા અન્ય વન્યપ્રાણીઓના મૃત્યુ કે કોઈ અસામાન્ય ઘટના બને તો તેની તાત્કાલિક જાણ થઈ શકે અને સમયસર જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય. વન વિભાગે સ્થાનિક લોકોને પણ વન્યપ્રાણીઓ અંગે કોઈ શંકાસ્પદ સ્થિતિ કે મૃત્યુની ઘટના નજરે પડે તો તરત જ વિભાગને જાણ કરવા અપીલ કરી છે. વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃત સિંહબાળની માતા સિંહણ હાલ નજીકના વિસ્તારમાં જ હોવાનું જાણવા મળ્યું છે અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. સિંહણની હિલચાલ પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી તેની તેમજ આસપાસના વિસ્તારમાં રહેલા અન્ય સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ ઘટનામાં કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ સામે આવી નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિંહબાળનું મૃત્યુ કુદરતી હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થયું છે. જાણવા મળતી માહિતી મુજબ પાણીયા રેન્જમાં પણ સિંહબાળનું ઈનફાઈટમાં મોત થયુ છે. આમ, જિલ્લામાં કમોતે મરતા સિંહોને લઈ સિંહપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.









































