અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલામાં માસૂમ બાળક જીયાનના કરુણ મોત બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાની મુલાકાત પછી કોંગ્રેસનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના સ્થાનિક નેતાઓએ મૃતક બાળકના શોકગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રતાપ દુધાતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સિંહના હુમલાથી અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક ધોરણે પીડિત પરિવારને રૂ.૨ કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી છે. આ સાથે જ રેવન્યુ (માનવ વસાહત) વિસ્તારમાંથી સિંહ અને દીપડા જેવા હિંસક વન્યજીવોને પકડીને જંગલમાં પૂરવા, જંગલ ફરતે બજેટ ફાળવીને તાર ફેન્સિંગ (કોર્ડન) કરવાની મજબૂત માંગણી કરી છે.









































