અમરેલી જિલ્લાનું દામનગર શહેર અને તેની આસપાસનો ગ્રામ્ય વિસ્તાર આજે પણ પરિવહનની પૂરતી સુવિધાઓથી વંચિત હોવાને કારણે સ્થાનિક જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર જ્યારે ડિજિટલાઈઝેશન અને આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા ‘વિકાસની હરણફાળ’ ભરી રહી છે, ત્યારે દામનગરને લાંબા અંતરની એસ.ટી. બસો ફાળવવામાં આવી નથી. આ ઉપરાંત, રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ એવી ‘મહુવા-બાંદ્રા’ ટ્રેનનો સ્ટોપેજ પણ અહીં આપવામાં આવ્યો નથી. આ વિસ્તારના જાગૃત નાગરિકોની તીવ્ર માંગ છે કે સ્થાનિક નગરપાલિકા અને અન્ય સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર અખબારી પ્રસિદ્ધિ મેળવવાને બદલે માનવીય અભિગમ અપનાવે. તંત્ર સામે આક્રમક અને અસરકારક રજૂઆત કરી ટ્રેન-બસના નક્કર આયોજનનો લાભ જનતાને અપાવે, તે જ સાચા અર્થમાં લોકસેવા ગણાશે.










































