લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં આવેલા એપોલો પેપર સોલર પ્લાન્ટ ખાતે કામ કરી રહેલા એક શ્રમિકનું ૧૧ કે.વી. હાઈટેન્શન લાઈનનો જોરદાર કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.મૂળ દાહોદના કોકીલાબેન લાલાભાઇ ભાભોર (ઉ.વ. ૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ લાલાભાઇ રંગજીભાઇ ભાભોર (ઉ.વ. ૪૧) મતીરાળા ગામે આવેલા એપોલો પેપર સોલર પ્લાન્ટ ખાતે એક ઓરડીની પારાપેટ પર પ્લાસ્ટરનું કામ કરતા હતા.
આ દરમિયાન તેમના હાથમાં રહેલી છએક ફૂટ લાંબી એલ્યુમિનિયમની પ્લાસ્ટર કરવાની પટ્ટી અકસ્માતે ત્યાંથી પસાર થતી ૧૧ કે.વી. હાઈટેન્શન ઇલેક્ટ્રિક વીજ લાઇનને અડી ગઈ હતી.એલ્યુમિનિયમની પટ્ટી હાઈવોલ્ટેજ વીજ લાઈનના સંપર્કમાં આવતા જ શ્રમિકને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે શ્રમિક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પ્લાન્ટના અન્ય કર્મચારીઓ અને શ્રમિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતના પ્રકરણમાં ડાયરી નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































