ખાંભા તાલુકાના ચતુરી ગામમાં વન્યપ્રાણીના આકસ્મિક હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સાંજના સમયે બાળક પોતાના દાદા સાથે હાથ પકડીને ગામની દૂધ ડેરી તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક વન્યપ્રાણીએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઠવાડિયા ચતુરી ગામે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને મળીને સાંત્વના પાઠવી અને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.










































