રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક યુવક પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર ચાર સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે. વન વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં ચારેય સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. થોડા દિવસો પહેલા ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું અને સિંહોએ તેના મૃતદેહને ફાડી ખાધો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા રેન્જની ટીમે વિસ્તારમાં લોકેશન ટ્રેસ કરી બે પાઠડા અને બે પુખ્ત સિંહ સહિત કુલ ચાર સિંહોને પાંજરે પૂર્યા હતા. લેબોરેટરી તપાસમાં તેમની સંડોવણી સામે આવતા ચારેય સિંહોને હવે કાયમી રીતે સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.