અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે અલગ-અલગ ૫ સ્થળેથી પોલીસે દરોડા પાડીને ૩૧ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૫૭,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વિગતવાર જોઈએ તો, ધારીના ખીસરી ગામે મેઈન બજારમાંથી પોલીસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ઈસમોને રોકડા રૂ. ૧૦,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજુલાના ચાંચ ગામે ખેતરપાળ દાદાના મંદિર પાસેથી ચાર લોકો સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રોકડા રૂ. ૭,૧૦૦ સાથે પકડાયા હતા. લીલીયાના જૂની ધામત શેરી વિસ્તારના પાળા પાસેથી ત્રણ ઈસમો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૩,૩૦૦ સાથે ઝડપાયા હતા.આ ઉપરાંત, ખાંભાના કોદીયા ગામે ગરબીમાતાના ચોકમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ ઈસમો રોકડા રૂ. ૧૦,૮૮૦ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા. જ્યારે લાઠીના જાનબાઈ (દેરડી) ગામે પીપળવા ગામના બીડમાં લાલાભાઈ સોમજીભાઈ રવોલીયાની વાડી આગળ આવેલા ખારામાં, જાહેરમાં ટોર્ચના અજવાળે ગંજીપત્તા તેમજ પૈસાથી તીનપત્તી નામનો હારજીતનો જુગાર રમતા આઠ ઈસમો કુલ રૂ. ૨૫,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.








































