જાફરાબાદમાં મફતપ્લોટ, કોળીવાડા વિસ્તારમાં શ્રી ગણેશ મંદિરે ગણેશ ગ્રુપ અને મહિલા મંડળના સંયુક્ત આયોજન હેઠળ શ્રી લક્ષ્મીજી તથા શ્રી હનુમાનજી મહારાજના દ્વિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદના કૃપાસિંધુ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક તેમજ ગિરિરાજ ચોક ખાતે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા ગણેશ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં આગેવાનો, વેપારી એસોસીએશન તેમજ ભક્તોની ભારે જનમેદની ઉમટી હતી. આ ઉપરાંત રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિયાબેન શિંગડ, કિરીટબાપુ ગોસ્વામી અને લોકસાહિત્યકાર નિરૂભા ગઢવી દ્વારા ભજન, લોકસાહિત્ય અને સાંસ્કૃતિક રસધાર પીરસવામાં આવી હતી. આ પ્રસંગે તપોવન ટેકરીના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ તપસ્વીબાપુના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. ઉપરાંત શીતળામાતા મંદિરના મહંત ૧૦૦૮ ઓધવજી મહારાજ તેમજ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંતશ્રી ગોમતીદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સંત-મહંતો, આગેવાનો, ભક્તો અને દાતાઓનો ગણેશ ગ્રુપના પ્રમુખ અજીતભાઈ ચુડાસમા તથા રાકેશભાઈ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો.









































