સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરીની ચૂંટણી હવે રાજકીય રીતે વધુ રસપ્રદ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ સામે ખેડૂત આગેવાન જયેશ દેલાડેએ ખુલ્લો વિરોધ નોંધાવી પોતાની અલગ ‘સહકાર પેનલ’ જાહેર કરતાં ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો સર્જાયા છે.
જયેશ દેલાડે દાવો કર્યો છે કે સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરે છે અને તેમાં રાજકીય પક્ષોની મેન્ડેટ પ્રથા યોગ્ય નથી. તેમના મતે, સંસ્થાનું સંચાલન પશુપાલકોના પ્રતિનિધિઓ દ્વારા થવું જોઈએ, રાજકીય દખલગીરીથી નહીં.
આ વખતે સુમુલ ડેરીની ૧૬ ડિરેક્ટર બેઠકો માટે કુલ ૪૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના મેન્ડેટ બાદ પાંચ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ બન્યા છે, જ્યારે બાકીની બેઠકો પર ખરાખરીનો ચૂંટણી જંગ જાવા મળશે. હજુ ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવાથી આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારોની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જયેશ દેલાડેએ જણાવ્યું કે સુમુલ ડેરીની સ્થાપના વર્ષ ૧૯૫૧માં ગામડાના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કરવામાં આવી હતી. તેમના મતે, આજે સંસ્થાના મૂળ હેતુથી વિપરીત રાજકીય હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે સહકારી ચળવળની ભાવના વિરુદ્ધ છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે અંદાજે ૭૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના વહીવટ પર રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પશુપાલકોના હિત કરતાં સત્તા અને વહીવટી નિયંત્રણને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે
જયેશ દેલાડેએ દાવો કર્યો કે સુમુલમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ બાદ તૈયાર કરાયેલા આશરે ૨૦૦૦ પાનાના અહેવાલને હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમના કહેવા મુજબ, ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા કેટલાક લોકોને ફરીથી મેન્ડેટ આપવામાં આવતા પશુપાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આગામી ૧૫ જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જયેશ દેલાડની ‘પશુપાલક મેન્ડેટ સહકાર પેનલ’ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ચૂંટણીના પરિણામો સુમુલ ડેરીના આગામી સંચાલન અને રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.









































