બાબરા તાલુકાના વાંકીયા, ઇશ્વરીયા અને ગમા પીપળીયા ગામોની પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલહાર પહેરાવી તેમજ શૈક્ષણિક કિટ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના જીવનનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તામાં વધારો થાય તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. તેમણે વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા તેમજ ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકગણે શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો અંગે માહિતી આપી હતી.









































