અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે અંડાશયના કેન્સર (Ovarian Cancer)થી પીડાતા દર્દી કાંતાબેન ચૌહાણની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડા. કેતન ધાનાણીના નિદાન બાદ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડા. નિકુંજ પટેલ, ડા. વીર શાહ અને જનરલ સર્જન સહિતની ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્‌યું હતું. આ સમગ્ર સારવાર સરકારની આરોગ્ય યોજનાઓ હેઠળ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવતા દર્દીના પરિવારને મોટી આર્થિક રાહત મળી છે.શાંતાબા કેન્સર કેર સેન્ટર ખાતે હવે મેડિકલ, સર્જિકલ અને રેડિએશન ઓન્કોલોજીના નિષ્ણાત ડાક્ટરોની સંપૂર્ણ ટીમ એક જ છત નીચે ઉપલબ્ધ છે. અહીં કીમોથેરાપી, રેડિએશન અને અદ્યતન સર્જરી જેવી સુવિધાઓ મળતાં હવે અમરેલી અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે.