ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્)ને એક મોટી સફળતા મળી છે. વરતેજ રેલવે ફાટક પાસેથી પોલીસે વિદેશી દારૂની ૧૧૪૦ બોટલો સાથે ૪.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગર એલસીબી પોલીસની ટીમ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને વરતેજ રેલ્વે સ્ટેશન પાસે કરદેજ તરફ જવાના માર્ગ પરથી દારૂનો જથ્થો પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વરતેજ રેલવે ફાટક પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ગ્રે કલરની મારુતિ સુઝુકી ઇકો કારને શંકાસ્પદ જણાતા પોલીસે અટકાવી હતી.
પોલીસે કારની સઘન તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૧૪૦ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૧,૭૧,૧૯૨ થાય છે. પોલીસે ૧.૭૧ લાખનો દારૂ અને ગુનામાં વપરાયેલી ઇકો કાર સહિત કુલ ૪,૨૬,૧૯૨નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક અલ્પેશ મકવાણા (રહે. ચિત્રા સીદસર રોડ, ભાવનગર)ની અટકાયત કરી હતી. તેની આકરી પૂછપરછ દરમિયાન આ દારૂના નેટવર્કમાં અન્ય બે શખ્સો– જીવણસિંગ (રહે. રાજસ્થાન) અને ઋતુરાજ (રહે. ભાવનગર)ની સંડોવણી પણ સામે આવી છે.
એલસીબી પોલીસે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વરતેજ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર અન્ય બે શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










































