સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈએ વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટનો દરવાજા ખટખટાવ્યો છે. નારાયણ સાંઈએ વચગાળાના જામીનની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમને તાત્કાલિક રાહત આપીને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અરજદાર પક્ષના વકીલ અમિત ડી. શાહે જણાવ્યું હતું કે, નારાયણ સાંઈ વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી છે. અરજીમાં વચગાળાની રાહત આપીને તેમને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી હાથ ધરી છે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલાની વધુ સુનાવણી આગામી ૧૩ જુલાઈના રોજ નિયત કરી છે. તે દિવસે અરજદાર પક્ષ તેમજ રાજ્ય સરકાર તરફથી રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટ વચગાળાના જામીન અંગે નિર્ણય કરશે.
ઉલ્લેખનીય છે કે સુરતના દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યો છે. અગાઉ પણ તેઓ વિવિધ કારણોસર સમયાંતરે કોર્ટમાં રાહત માગતા રહ્યો છે. હવે ફરી એક વખત વચગાળાના જામીન માટેની અરજીને લઈને આ કેસ ચર્ચામાં આવ્યો છે. હવે ૧૩ જુલાઈની સુનાવણી પર સૌની નજર છે. હાઇકોર્ટ નારાયણ સાંઈને વચગાળાની રાહત આપે છે કે અરજી ફગાવે છે, તે અંગેનો નિર્ણય આગામી સુનાવણી બાદ સ્પષ્ટ થશે.