રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનનો ખર્ચ હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સૂત્રોના દાવા મુજબ અંદાજે ૧,૫૦૦ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પાછળ રૂ. ૩ કરોડ અથવા તેથી વધુ ખર્ચ થયો હોવાનો અંદાજ છે. જાકે, મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી ડિમોલિશન કામગીરીના કુલ ખર્ચનો કોઈ સત્તાવાર આંક જાહેર કરવામાં આવ્યો નથી. ખર્ચ અંગે સતત ઉઠી રહેલા સવાલોને ધ્યાનમાં રાખીને મનપા કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર ખર્ચની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિમાં ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથરોટિયા, હિસાબી અધિકારી અમિત સવજીયાણી અને સિટી ઇજનેર પરેશ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલા તમામ ખર્ચના બિલ, ખરીદી પ્રક્રિયા, ચુકવણીના દસ્તાવેજા અને સંબંધિત નાણાકીય પ્રક્રિયાની વિગતવાર ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડિમોલિશન કામગીરી દરમિયાન આશરે ૨.૮૭ લાખ જેટલી ૨૦૦ એમએલની મિનરલ વોટરની બોટલો પ્રતિ બોટલ રૂ. ૮ના મંજૂર રેટ કોન્ટ્રાક્ટ મુજબ ખરીદવામાં આવી હતી. તેના આધારે માત્ર મિનરલ વોટર પાછળ અંદાજે રૂ. ૨૩ લાખનો ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત,
– ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ અંદાજે રૂ. ૨૭.૨૦ લાખ
– વિડિયોગ્રાફી પાછળ અંદાજે રૂ. ૨૪ લાખ
– મંડપ સર્વિસ પાછળ અંદાજે રૂ. ૮.૫૦ લાખ
– લાઇટિંગ પાછળ અંદાજે રૂ. ૨.૫૦ લાખ
– જેસીબી, ડમ્પર અને ટ્રેક્ટર સહિતની મશીનરી પાછળ અંદાજે રૂ. ૧.૫૦ કરોડ ખર્ચ થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. મેનપાવરનો ખર્ચ આ અંદાજિત રકમથી અલગ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
મિનરલ વોટરની ખરીદી અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે મેયર નેહલ શુક્લે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, તમામ ખરીદી સ્ટેન્ડિંગકમિટી દ્વારા મંજૂર કરાયેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબ કરવામાં આવી હતી અને તેમાં કોઈ ગેરરીતિ થઈ નથી.
ડિમોલિશન ઓપરેશનનો કુલ ખર્ચ કેટલો થયો તે અંગે હજુ પણ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. સોમવારે યોજાયેલી મીડિયા બ્રિફિંગ દરમિયાન મેયર નેહલ શુક્લ અને મનપા કમિશનર તુષાર સુમેરા પૈકી કોઈએ પણ કુલ ખર્ચનો આંક જાહેર કર્યો નહોતો.










































