રાજ્યભરમાં સાયબર ગુનેગારો સામે ચાલી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેલીગ્રામ અને વોટ્‌સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી ઓળખ ઊભી કરી સાયબર ઠગાઈ માટે બેંક ખાતા અને ડેબિટ કાર્ડની વ્યવસ્થા કરી આપતા સંગઠિત નેટવર્કના મુખ્ય સૂત્રધારની અમદાવાદથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીના નેટવર્ક દ્વારા દેશભરમાં ૫.૨૧ કરોડથી વધુના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ પોલીસની તપાસ મુજબ આરોપી ટેલીગ્રામ એપ પર ખોટી ઓળખના આધારે અનેક એકાઉન્ટ બનાવી દેશના વિવિધ રાજ્યોમાં રહેલા લોકોનો સંપર્ક કરતો હતો. સરળ કમાણીની લાલચ આપીને તે લોકોને પોતાના બેંક ખાતા, ડેબિટ કાર્ડ, ચેકબુક અને અન્ય બેંકિંગ દસ્તાવેજા ઉપલબ્ધ કરાવવા માટે પ્રેરિત કરતો હતો. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા તેમજ ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ અને એટીએમ મારફતે ઉપાડી લેવા માટે કરવામાં આવતો હતો.
પોલીસે આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા અનેક વોટ્‌સએપ અને ટેલીગ્રામ ગ્રુપ મળી આવ્યા હતા. આ ગ્રુપમાં દેશના વિવિધ રાજ્યોના એજન્ટો, બેંક ખાતાધારકો અને અન્ય લોકો જાડાયેલા હતા. આરોપી હોટલો, ભાડાના મકાનો અને અન્ય સ્થળોએ રહીને સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ દરમિયાન આવા ગ્રુપોમાંથી અંદાજે ૭૦ જેટલી સાયબર ફરિયાદો સાથે સંબંધિત વિગતો મળી આવી છે.
તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર આરોપી સાથે સંકળાયેલા બેંક ખાતાઓ મારફતે કુલ રૂ.૫,૨૧,૩૮,૪૬૬ જેટલી રકમની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ આ સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ રકમ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા સાયબર ગુનાઓ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં હજુ અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા હોવાથી તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. આરોપીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં આવેલી મોટી રકમ ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ બાયનાન્સમાં ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ મુજબ અંદાજે ૧,૯૯,૬૦૨ યુએસ ડોલર, જે ભારતીય ચલણ મુજબ આશરે રૂ.૧.૮૯ કરોડ જેટલી રકમ થાય છે, તે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ મામલે નાણાંના ટ્રેઈલની તપાસ માટે ટેક્નિકલ અને નાણાકીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ અમદાવાદ તેમજ આંધ્રપ્રદેશના વિવિધ સાયબર પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ હવે તેના સંપર્કમાં રહેલા અન્ય શખ્સો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. તપાસમાં અનેક નવા નામો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર કાર્યવાહી વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એચ. જી. રબારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ સબ ઈન્સપેક્ટર ડી. એસ. પટેલ, ડી. કે. ત્રિપાઠી સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત આગળના દિવસોમાં પણ આવા સાયબર ગુનાહિત નેટવર્ક સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.