માળિયા મિયાણામાં ગયા મહિને નોંધાયેલા મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનાને પગલે પોલીસે આજે મેગા કોÂમ્બંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ૧ દેશી કટ્ટો, ૨૩ જીવતા કારતૂસ, ૭૦ ઘાતક હથિયારો અને ૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કમ્બિંગ દરમિયાન પોલીસને ૧ દેશી બનાવટનો કટ્ટો, ૨૩ જીવતા કારતૂસ અને ૩ એર ગન મળી આવ્યા છે. આ સાથે ૭૦ જેટલા ઘાતક હથિયારો (તલવાર, ભાલા, છરા, ચપ્પા અને ધોકા) અને ૧૦૦ જેટલા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પણ ઝડપી લેવામાં આવ્યા છે. ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તેનો ઉપયોગ કોઈની સાથે છેતરપિંડી કરવા માટે થતો હોઈ શકે છે, જે દિશામાં હાલ વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
“રેન્જ આઈજી કોરડિયાની સૂચનાથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બપોરે ૩ઃ૩૦ થી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી માળિયા અને અન્ય ૩ ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ મેગા કોÂમ્બંગમાં ૩ ડીવાયએસપી, ૧૫ પીઆઇ, ૩૨ પીએસઆઇ અને ૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી ની ટીમ પણ સાથે રાખવામાં આવી હતી.” –
મોરબી પોલીસ એસપી મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે પોલીસે આ કેમ્બિંગ દરમિયાન ૧ પેરોલ જમ્પ કરનાર આરોપી અને ૨ નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી લીધા છે. અગાઉ શરીર સંબંધી અને હથિયારના ગુનામાં પકડાયેલા ૬૮ જેટલા આરોપીઓના ઘરે જઈને રૂબરૂ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન ૩૬ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને ૧૧,૫૦૦ રૂપિયાનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પીજીવીસીએલના ૩ ગેરકાયદેસર કનેક્શન પણ ઝડપી પાડવામાં આવ્યા છે. પીજીવીસીએલના અધિકારીઓને બોલાવીને કાર્યવાહી કરાવવામાં આવી છે, જેમાં અંદાજિત ૮ લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે.પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે નાની-નાની બાબતોમાં થતા ઝઘડાઓ અને જૂની અદાવતોના કારણે થતા મર્ડર અટકાવવા માટે પોલીસ સતત કાર્યરત છે. આગામી સમયમાં આવતી રથયાત્રા અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવા કેમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.










































