માનવ જીવનમાં અનેક ભાવનાઓ આવે છે. તેમાં વેદના અને સંવેદના બે એવી ભાવનાઓ છે, જે માણસના હૃદયને સ્પર્શે છે અને સમાજને માનવતા તરફ દોરી જાય છે. એક તરફ વેદના વ્યક્તિને અંદરથી હચમચાવી દેતી પીડા છે, જ્યારે બીજી તરફ સંવેદના એ બીજાની પીડા સમજી તેને સહાનુભૂતિ આપવાની ક્ષમતા છે. આ બે શબ્દો એવા છે જે દેખાવમાં ખૂબ સમાન લાગે છે, પરંતુ અર્થ અને અસરની બાબતમાં બંને ખૂબ અલગ છે,આ બે શબ્દો એટલે વેદના અને સંવેદના.
વેદના એટલે પોતે અનુભવેલ દુઃખનો તીવ્ર સ્પર્શ, જ્યારે સંવેદના એટલે બીજા કોઈના દુઃખને સમજીને તેને હૃદયથી અનુભવવાની માનવતાભરી લાગણી.આપણને વાગે ને દર્દ થાય તે વેદના અને બીજાને વાગે ને દર્દ આપણને થાય તે સંવેદના!
વેદના શું છે? વેદના એટલે દુઃખ.પીડા અથવા મનની તકલીફ. જ્યારે માણસને કોઈ નુકસાન થાય, કોઈ પ્રિયજન દૂર થઈ જાય, અપેક્ષા તૂટી જાય કે અયોગ્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે જે પીડા અનુભવાય તેને વેદના કહેવાય. વેદના માણસને ક્યારેક તોડી નાખે છે, પણ ઘણી વખત આ જ વેદના માણસને વધુ મજબૂત બનાવે છે. વેદના એટલે શરીર કે મનમાં થયેલું દુઃખ.જ્યારે કોઈ વ્યક્તિ પોતે પીડા અનુભવે છે ત્યારે તે વેદના અનુભવે છે.
દાખલા તરીકે ,કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થાય ત્યારે તેના શરીરમાં થતી પીડા એ વેદના છે.કોઈને પોતાના પ્રિયજનનું અવસાન થાય ત્યારે મનમાં ઊભી થતી ખાલીપા અને દુઃખની લાગણી પણ વેદના છે. એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે અને અંતે પાકને કુદરતી આફત નષ્ટ કરી દે, ત્યારે તેના હૃદયમાં જે વીતે તે વેદના છે. જીવનમાં અપેક્ષા ભંગ થાય ત્યારે મનમાં ઉદભવતી વ્યથા પણ વેદના છે.આખું વર્ષ મહેનત કર્યા પછી પરીક્ષા નજીક હોય અને પરિવારમાં કાઈ અઘટિત ઘટના બને પછી વિદ્યાર્થી માનસિક રીતે અપસેટ થાય પછી ધાર્યું પરિણામ ના મળે ત્યારે એની મનોવ્યથા હોય એ વેદના. આકસ્મિક યુધ્ધની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે જાન માલની નુકશાની વખતે નિર્દોષ નાગરિકોને વેઠવી પડતી મુશ્કેલી એ સામુહિક વેદના છે.આમ વેદના વ્યક્તિગત કે સામુહિક હોય છે. દરેક વ્યક્તિ કે સમાજ તેને પોતાની રીતે અનુભવે છે.
સંવેદના શું છે? સંવેદના એટલે બીજાના દુઃખને સમજવાની અને તેને દૂર કરવા માટે સહાનુભૂતિ વ્યક્ત કરવાની માનવીય ભાવના. અર્થાત જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય ત્યારે માત્ર તેને જોઈને જ નહિ, પરંતુ તેની પીડાને હૃદયથી અનુભવીને મદદ કરવાનો ભાવ એ સંવેદના છે. સંવેદનાનો મૂળ અર્થ જોઈએ તો:સમ + વેદના = સંવેદના. એટલે કે બીજાની વેદનાને પોતાની વેદના સમજીને તેને કોઈ પણ પ્રકારે સહયોગી થવું.
દાખલા તારીખે,રસ્તા પર કોઈ વૃધ્ધ માણસ પડી જાય અને આપણે તરત દોડી જઈને તેને ઊભા કરીએ આ સંવેદના છે. કોઈ ગરીબ બાળકને ભૂખ લાગેલી જોઈને તેને ખાવાનું આપવું – આ સંવેદના છે. બસ કે ટ્રેનમાં જગ્યા નહીં મળવાના કારણે ઉભેલા વૃધ્ધ કે અશક્ત વ્યક્તિને આપણી સીટ બેસવા આપીએ એ સંવેદના છે.મિત્ર કે સબંધી મુશ્કેલીમાં હોય ત્યારે તેની સાથે ઊભા રહેવું આ સંવેદના છે. ઝૂંપડપટ્ટી માં ઠંડીમાં કાપતા બાળકોને ઓઢવા ગરમ કપડાં આપીએ, તે સંવેદના છે. કુદરતી આફતમાં પીડિત લોકો માટે મદદ કરવા આગળ આવવું એ પણ સંવેદનાની સુંદર અભિવ્યક્તિ છે.ઓફિસમાં સાથે કામ કરનાર કર્મચારીને કામમાં સહકાર આપીએ તે સંવેદના છે.કર્મચારી તરીકે રાજદારનું કામ સમયસર કરી આપીએ તે સંવેદના.
વેદના અને સંવેદનાનો સંબંધઃ
વેદના વ્યક્તિને તોડી શકે છે, પરંતુ સંવેદના સમાજને જોડી શકે છે.સંવેદના એ માનવતાની સૌથી મોટી ઓળખ છે.જ્યાં સંવેદના છે ત્યાં સમાજ જીવંત છે.વેદના માણસને અનુભવ શીખવે છે અને સંવેદના માણસને માનવતા શીખવે છે. વેદના જીવનની કઠિન સચ્ચાઈ છે અને સંવેદના માનવતાની મહેક છે.જો માણસ પોતાની વેદનામાંથી શીખીને બીજાની પીડા સમજવા લાગે, તો સમાજ વધુ સ્વસ્થ બની શકે.ઘણી વખત વેદનાનો અનુભવ કરનાર વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે, કારણ કે તેને ખબર હોય છે કે દુઃખ શું હોય છે.સંઘર્ષ કરીને સફળ થયેલ વ્યક્તિ પોતાની ભૂતકાળની પીડાઓને કારણે સંવેદનશીલ હોય છે.
સંવેદનાનું એક સુંદર ઉદાહરણઃ એક ગરીબ વિદ્યાર્થીને બાળપણમાં ઘણું દુઃખ સહન કરવું પડ્‌યું હતું. પણ કોઈ વ્યક્તિ કે સંસ્થાના સહયોગથી અભ્યાસ કરીને ખૂબ મોટો અધિકારી બને પછી ગરીબ વિદ્યાર્થીઓની ફી પોતે ભરવા લાગે તો તે સંવેદનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે પોતાની વેદનાએ તેને સંવેદના શીખવી હતી.
આજના સમયમાં સંવેદનાની જરૂરઃ
આજના આધુનિક અને વ્યસ્ત સમયમાં લોકો પોતાની સમસ્યાઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે બીજાની વેદના સમજવાની સંવેદના ધીમે ધીમે ઘટતી જાય છે. આજના સમયમાં ટેક્નોલોજી અને સ્પર્ધાના યુગમાં માણસ ઘણી વખત લાગણીઓથી દૂર થઈ રહ્યો છે. પરંતુ સંવેદના વગરનો સમાજ યાંત્રિક બની જાય છે. સંવેદના માણસને માણસ સાથે જોડે છે. સંવેદના સમાજમાં ભાઈચારો,સહકાર અને કરુણા વધારે છે. સંવેદના માનવતાને જીવંત રાખે છે. જ્યાં સંવેદના છે ત્યાં સેવા, દયા અને પરોપકાર આપોઆપ જન્મે છે. આપણી અનેક ધાર્મિક અને સેવાધારી સંસ્થાઓ વિવિધ ક્ષેત્રોમાં માનવ સેવાના કાર્યો કરીને સંવેદના રૂપી સેવા યજ્ઞો ચલાવી રહી છે તે સન્માન સાથે વંદનને પાત્ર છે.જો સમાજમાં સંવેદના જળવાઈ રહેશે તો માનવતા જીવંત રહેશે. વેદના જીવનમાં આવતો અંધકાર છે,સંવેદના સૌ માટે આશાનો દીપક છે. જેને બીજાના દુઃખનો અહેસાસ થાય,એ ક્યારેય કોઈને મન વચન કે કર્મથી દુઃખી કરતો નથી. વેદના માણસને રડાવતી હોય છે, સંવેદના માણસને માણસ બનાવતી હોય છે.

દુઃખના દરિયામાં ડૂબતા જીવનને
સંવેદનાનો સાથ કિનારે પહોંચાડતો હોય છે.
દિલમાં જો સંવેદનાનો દીવો પ્રગટે એક વાર,
તો દુનિયાનાં અંધકારને હરાવી દે પ્રેમનો પ્રકાશ પાર.
વેદનાથી શીખે માણસ જીવનનો સાચો પાઠ,
સંવેદનાથી જ બને છે માનવતાનો સચ્ચો સાથ.
વેદના સમજવા માટે દિલમાં સંવેદના હોવી જોઈએ સાહેબ,
કેમકે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓ નો નહીં.