ગુજરાતમાં હાલ જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર મતદાનની પ્રક્રિયા નથી.રાજ્ય ચૂંટણી પંચે ૧ લી એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા અને મહાનગર પાલિકાઓ ગણાય.આ બધી સંસ્થાઓ લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી હોય છે.લોકોની સુખાકારી માટે પાયાની અને રોજિંદી સગવડો જેવી કે પાણી, વીજળી,રસ્તા,ગટર, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ વગેરેની સુવિધાઓ માટે જન પ્રતિનિધિઓને લોકશાહી ઢબે ચૂંટવાનો અવસર એટલે આપણી ચૂંટણી. હવે ચૂંટણી સાથે રાજકારણ સીધુ સંકળાયેલ હોય છે.રાજકારણમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓ હોય છે,તેના પોતાના મેન્યુ ફેસ્ટા એટલે કે એજન્ડા સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારતી હોય છે. હવે આ ઉંમેંદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા કરતી હોય છે, જે આજની તારીખમાં લગભગ દરેક મુખ્ય પાર્ટીઓ દ્વારા પુરી થઈ ગઈ છે. આ બધું સ્થાનિક સ્તરે જ નિર્ધારિત થાય છે પણ તેમાં સિલેક્શન એટલે કે ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય જે તે પક્ષનું મોવડીમંડલ લેતું હોય છે. દરેક પાર્ટી મોટાભાગે જીતી શકે એવા ઉમેદવારની જ પસંદગી કરતી હોય છે. આ બધું રાજકારણમાં રસ ધરાવતા તમામ લોકો જાણતા જ હોય છે. આમ લોકસેવા માટે લાયક , યોગ્ય અને નિષ્ઠાથી કામ કરે એવા ઉમેદવારોની પસંદગી દરેક પાર્ટીની પ્રાયોરિટી હોય છે.હવે લોક સેવાની વાત આવે એટલે સમય અને સંપત્તિ બન્ને વાપરી શકે તેવા વ્યક્તિ જ આમાં ઉમેદવારી માટે દાવો કરતા હોય છે.હા પાર્ટી ચોક્કસ રીતે ફંડ પૂરું પાડે પણ એ સિવાય હવેના સમયમાં પોતાનું પર્સનલ ભંડોળ પણ વાપરવું પડે ત્યારે આ ચૂંટણી જીતાય છે એ બાબત દાવેદાર સારી રીતે જાણતા જ હોય છે.
એટલે Election પહેલા સિલેક્શન ખૂબ મહત્વપૂર્ણ છે.આ બાજુ વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોનું સિલેકશન, મેન્ડેટ આપવા,ફોર્મ રજૂ કરવા વગેરે બાબતો ચાલતી હોય છે તો બીજી બાજુ વહીવટી તંત્રના કલાસ વન થી કલાસ ત્રણની કેડરના તમામ અધિકારી કર્મચારી ચૂંટણી પંચના હવાલે મુકાય જતા હોય છે.એમણે પોતીની કચેરીની રૂટિન ફરજ કે કામગીરીની સાથે સાથે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની થતી હોય છે. ઉમેદવારોના ફોર્મ સ્વીકારીને ચકાચણી કરવાથી લઈને ચૂંટણી સ્ટાફની તાલીમ,ચૂંટણી લક્ષી તમામ સાહિત્ય તૈયાર કરીને નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી કરવાની મહત્વની અને જવાબદારી વાળી કામગીરી કરવાની થતી હોય છે.ચૂંટણી પંચના આવા વ્યવસ્થિત અને જડબે સલાક આયોજન બાદ ઇલેક્શન લડતા ઉમેદવારોને સિલેક્ટ કરવા માટે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવાની વાત આવે છે.આ મતદાન એ લોકશાહી લોકશાહીનો સૌથી મહત્વનો ઉત્સવ છે, જ્યાં “Election” અને “Selection” બંને એકસાથે જોવા મળે છે. ચૂંટણીની મોસમમાં ગામડાંથી શહેર સુધી એક ખાસ ચર્ચા જોવા મળે છે. ગલીઓમાં ચર્ચા, જાહેર સભાઓ, સોશિઅલ મીડિયામાં જાહેરાતો અને ડિબેટના દોર જામે છે. દાવા અને પ્રતિ દાવાઓ વચ્ચે કેટલાક ચોક્કસ પાર્ટીના કમિટેડ મતદારો હોય છે, કેટલાક મતદારો લોભ લાલચમાં ભરમાતા હોય છે, તો કેટલાક મતદારો સ્થાનિક કાર્યકરો કે આગેવાનોની દોરવણીમાં દોરવતા હોય છે. આમ છતાં લોકશાહીમાં દરેક મત દાતા સ્વતંત્ર હોય છે. પોતાના અંતર આત્માના અવાજે પસંદગીના ઉમેદવારને પોતાનો ગુપ્ત મત આપીને મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ દરેક મતદારની લોકશાહીના જતન માટેની ફરજ ગણાય.
ઉમેદવારો પોતાના વિચારો, કામ અને વચનો સાથે લોકો સામે આવે છે. દરેક મતદાતા પોતાના મત દ્વારા એક સપનું વાવે છે કે આવતીકાલ વધુ સારી બનશે! મતદાન પૂર્ણ થયા પછી પરિણામની પ્રક્રિયા શરૂ થાય છે.અહીં ફક્ત જીતવાનું મહત્વ નથી,પણ જીત્યા પછી લોકોના વિશ્વાસને જાળવવાનું મહત્વ છે. જે પ્રતિનિધિઓ પસંદ થાય છે,તેઓ માટે આ માત્ર પદ નથી પણ એ લોકોની અપેક્ષાઓનું ભારણ છે.આપેલા વચન પાળવાના અને વાયદાઓ પુરા કરવા માટે પછીના પાંચ વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરવાની હોય છે. મતદાતાની ભૂમિકા એ સૌથી મોટી શક્તિ છે.આ ચૂંટણી આપણને યાદ અપાવે છે કે “એક મત પણ નિર્ણાયક હોય છે.” મત આપવો માત્ર અધિકાર નથી,પણ એ આપણી ફરજ પણ છે.સાચા ઉમેદવારની પસંદગી (Selection) માટે જાગૃત મતદાન (Election) જરૂરી છે.
વંદે માતરમ..ભારત માતાકી જય
“ચૂંટણી માત્ર જીત અને હારનો ખેલ નથી,પણ વિશ્વાસ અને વિકાસ વચ્ચેનો પુલ છે.” ચાલો, આ સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં જાગૃત બનીએ,વિચારપૂર્વક મત આપીએ અને સારા Selection તરફ આગળ વધીએ.સો ટકા મતદાન કરીએ.








































