રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખાંભા ગ્રામ્ય વિસ્તાર અને રાજુલા પંથકમાં ૧૨ ઇંચથી વધુ તોફાની વરસાદ વરસતાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ધાતરવડી અને રાયડી ડેમમાં પાણીની જંગી આવક થઈ છે અને બંને ડેમ ઓવરફ્લો થતાં પ્રશાસન દ્વારા ૧૧થી વધુ ગામોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતત સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને નદી-નાળા નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર થોડા કલાકોમાં જ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે સમગ્ર પંથકમાં કુલ ૧૨ ઇંચથી વધુ વરસાદ પડતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે ચોટીલા-ખાંભાથી નાગેશ્રીને જોડતો નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રાણીગપરા ગામ નજીક કૂતરાખાણ પાસે પુલનું કામ ચાલતું હોવાથી બનાવવામાં આવેલ કામચલાઉ ડાઇવર્ઝન પૂરના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અનેક વાહનો રસ્તા પર અટવાઈ પડ્યા હતા અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જયારે અમરેલીના ખારાપાટ વિસ્તારમાં ૧૦ ઈંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ન થયા છે. ધારીમાં ૯ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનામાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. સ્થિતિ ગંભીર બનતાં ડેમના ૮ દરવાજા એકસાથે ૧૦ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી ૪૮,૩૨૮ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી પાણીની આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી અને મીઠાપર સહિતના ગામોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ નદી, નાળા કે વહેતા પાણીમાં પ્રવેશ ન કરવા માટે તંત્ર દ્વારા કડક અપીલ કરવામાં આવી છે. પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ વીડિયો જાહેર કરીને સરકારી મદદ પહોંચે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડાવા હાકલ કરી હતી. ત્યારબાદ તેઓ તાત્કાલિક ભેરાઈ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પૂરના ધસમસતા પાણીમાં ઉતરી સ્થાનિકોની મદદ સાથે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ચાલી રહેલી બચાવ કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. તેમની હાજરીથી સ્થાનિકોમાં હિંમત અને વિશ્વાસ જોવા મળ્યો હતો.બીજી તરફ અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે પર પણ વરસાદી પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો હતો. પોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં નાના-મોટા વાહનો તેમજ ટ્રાન્સપોર્ટના કન્ટેનરો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા. પરિણામે પોર્ટ તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરિસ્થિતિ વધુ વિકટ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી મશીનોની મદદથી ફોરવે માર્ગને વચ્ચેથી તોડીને પાણીના ઝડપી નિકાલની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજુલા અને ખાંભા પંથકમાં ભારે વરસાદને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ખોડીયાર ડેમના ૯ દરવાજા ખોલાયા
ધારી પંથકમાં પડેલા પડેલા ભારે વરસાદને કારણે અમરેલીનો જીવાદોરી સમાન ખોડીયાર ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. ખોડીયાર ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમની નીચે આવતા તમામ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તો ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે આવેલી રાયડી સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પાણીની જોરદાર આવક થઈ રહી છે. વધતી જતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના ૮ દરવાજા એકસાથે ૧૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી ૪૮,૩૨૮ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા આગામી કલાકોમાં પાણીની આવક અને જળસ્તર વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશાસને મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી અને મીઠાપર ગામના લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપી છે.
સા.કુંડલાના હનુમાનજી આશ્રમ નજીક આવેલા ચેકડેમના પાળો તૂટ્યો
સાવરકુંડલા પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે શહેરની જીવાદોરી સમાન નાવલી નદી બંને કાંઠે ગાંડીતૂર બનીને વહી રહી છે. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલા ચેકડેમના પાળાને ભારે નુકસાન પહોંચ્યું છે અને પાળો તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ડેમમાંથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાની ભીતિ ઉભી થઈ છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂરી હોય ત્યાં સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરનું જોખમ હજુ પણ યથાવત હોવાથી તંત્ર એલર્ટ સ્થિતિમાં છે.
સા.કુંડલા નજીક ગાડીમાં ફસાયેલ લોકોનું રેસક્યૂ
અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ મળી હતી કે સાવરકુંડલાના કેરાળા અને જુના સાવર વચ્ચે આવેલા કોઝવે પર પાણીના ઘસમસતા પ્રવાહમાં ઈકો કાર સહિત સાત લોકો ફસાઈ ગયા છે. જાણ મળતા જ ફાયર ઓફિસર એસ.સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે વરસાદ અને તેજ પાણીના પ્રવાહ વચ્ચે સતત ત્રણ કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમે બહાદુરી અને કુશળતા સાથે તમામ સાત લોકોને સલામત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા.
અમરેલી-સાવરકુંડલાનો માર્ગ તૂટ્યો,વાહનવ્યહાર ઠપ્પ
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી-સાવરકુંડલા મુખ્ય માર્ગ ઓળીયા પાસે વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તો અચાનક તૂટી જતાં તેના બે ભાગ થઈ ગયા હતા. રોડની વચ્ચેથી ધસમસતું પાણી પસાર થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ઘટનાના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. માર્ગની મરામત અને સલામતી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વરસાદને કારણે સા.કુંડલા-રાજુલા હાઈ વે બંધ
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. થોરડી બાયપાસ પાસે નાળાનું કામ ચાલી રહ્યું હોવાથી વરસાદી પાણીનો ભારે પ્રવાહ રસ્તા પર ફરી વળ્યો છે, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અનેક સ્થળોએ પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે રાજુલાથી અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારો તરફ જતાં તમામ વાહનચાલકોને હાલ આ માર્ગનો ઉપયોગ ન કરવા અને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની અપીલ કરી છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
બાબાપુર નજીક ખેતરો બેટમાં ફેરવાયા
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. બગસરાથી લઈને ગાવડકા સુધી અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને બાબાપુર ગામ નજીક ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે અને લોકો સાવચેતી રાખી જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
લીલીયા તાલુકામાં ભારે વરસાદથી નાવલી નદી બે કાંઠે વહી, તળાવો ભરાયા
લીલીયા તાલુકામાં મેઘરાજાની ભવ્ય મહેરબાની થતાં સર્વત્ર ખુશીનો માહોલ છે. તાલુકાના લીલીયા પ્રોપર સહિતના અનેક ગામોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે તળાવોમાંથી માટી કાઢીને ઊંડા કરવામાં આવ્યા હતા, જે ચાલુ સીઝનના પ્રથમ ભારે વરસાદમાં જ સંપૂર્ણ પાણીથી છલકાયા છે. વિસ્તારમાં અંદાજીત ૫ થી ૭ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિક નાવલી નદી બે કાંઠે વહી રહી છે. નાવલી નદી બે કાંઠે વહેતા નદીના કાંઠે આવેલી દુકાનોમાં પાણી ઘુસ્યા છે. દુકાનો પાણી ઘુસતા દુકાનદારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વરસાદને કારણે ખેતરો પાણીથી રસતરબોળ થયા હતા. સમગ્ર પંથકમાં સચરાચર વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
જાફરાબાદના ધારાબંદર ગામમાં પૂરની સ્થીતિ
જાફરાબાદ તાલુકાના ઘારાબંદર ગામમાં ભારે વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક ગામે પહોંચ્યા હતા અને જાતે પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓની માહિતી મેળવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ પૂરથી પ્રભાવિત અને ફસાયેલા લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડી જરૂરી તમામ મદદ પહોંચાડવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.





































