‘‘શબ્દો માત્ર અક્ષરો નથી, તેઓ વિચારના દીવા છે. પુસ્તકો માત્ર કાગળ નથી, તેઓ જીવનના માર્ગદર્શક છે. અને સાહિત્ય માત્ર વાંચવાની વસ્તુ નથી, તે મનુષ્યને મનુષ્ય બનાવવાની સાધના છે.’’
‘‘કંટાળો નથી આપી શકતો એના ઘરે દસ્તક, જેના સાથી હોય શબ્દ, સાહિત્ય અને પુસ્તક.’’ આ પંક્તિનો ભાવ એ છે કે જે વ્યક્તિએ શબ્દોને મિત્ર બનાવ્યા છે, પુસ્તકોને જીવનસાથી બનાવ્યા છે અને સાહિત્યને જીવનનો આધાર બનાવ્યો છે, તે વ્યક્તિ આંતરિક રીતે એટલી સમધ્ધ બની જાય છે કે દુનિયાની નકારાત્મકતા, અજ્ઞાનતા અને ખોટા પ્રભાવ તેના સુધી સહેલાઈથી પહોંચી શકતા નથી.સમૃધ્ધિ અને સંસ્કૃતિમાં ઘણો તફાવત છે.ક્યારેક બંને સાથે હોય છે ક્યારેક બન્ને સામસામે હોય છે.તેમ છતાં પણ સંપત્તિ કે સતાની સાથે જ્યાં જ્યા સાહિત્ય અને સંસ્કૃતિ જોડાયેલ હોય ત્યાં ચોક્કસ સહાનુભૂતિ અને સમભાવની હાજરી હોય છે.પુસ્તકો એટલે માત્ર બાઇન્ડિંગ કરેલા છાપેલા કાગળના પાનાંનો સંપુટ નહીં પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કારની વિચારધારા નું વાવેતર જે માધ્યમથી થઈ રહ્યું હોય એવા ભજન,સત્સંગ,કથા,કીર્તન,વિચાર ગોષ્ઠિ,ચર્ચા,પરિસંવાદ કે સારા પુસ્તકોનું વાંચન એવા વીશાળ અર્થમાં અહીં વાત મુકેલી છે.
પુસ્તક વાંચનાર વ્યક્તિ એકલો હોવા છતાં ક્યારેય એકલો હોતો નથી.વાંચનથી એકલતા દૂર થાય છે અને એકાગ્રતા વધે છે. દરેક પુસ્તકમાં એક નવો મિત્ર, એક નવો વિચાર અને એક નવો અનુભવ છુપાયેલો હોય છે. જે વ્યક્તિ રોજ થોડું વાંચે છે, તે રોજ થોડું વિકસે છે.આમ સારા પુસ્તકોનું પ્રત્યક્ષ વાંચન કે પરોક્ષ શ્રવણ બંને મન,હૃદયમાં સમતા,શાંતિ,સંતોષ આપનાર સાબિત થાય છે.અને એ જ મનુષ્યને એક સારો માણસ બનાવવાનું ઉત્તમ માધ્યમ છે.જેમ પાણીનું પરબ માણસની તરસ છીપાવે છે તેમ પુસ્તક પરબ માણસની વાંચન તરસને છીપાવે છે.કોઈ સારો પ્રસંગ,ઘટના કે સ્ટોરી માણસને જકડી રાખે છે.ક્યારેક ગમતું પુસ્તક એક બેઠકે સવાર સુધી વાંચી જનાર વ્યક્તિની આંખમાં ઉજાગરો દેખાતો નથી.સૌના રસ રુચિના વિષય અલગ અલગ હોય છે પરંતુ અધ્યાત્મ,માનવ જીવન,પ્રેરક પ્રસંગો જેવા વિષયના પુસ્તકો વ્યક્તિના વર્તનમાં અમુલ પરિવર્તન લાવી શકે છે.
એક પ્રેરક ઉદાહરણ એક ગામના બે મિત્રો બાળપણથી સાથે રહેતા હતા. એક મિત્ર નવરાશનો સમય મોબાઇલ અને ગપ્પાં મારવામાં પસાર કરતો હતો, જ્યારે બીજો મિત્ર દરરોજ એક કલાક પુસ્તક વાંચતો હતો.વર્ષો પછી પહેલો મિત્ર એ જ જગ્યાએ રહ્યો, જ્યારે બીજો મિત્ર જ્ઞાન, સમજ અને વ્યક્તિત્વના બળે સફળ અધિકારી બન્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તમારી સફળતાનું રહસ્ય શું છે? તેણે જવાબ આપ્યોઃ‘‘મેં મારા જીવનમાં સારા પુસ્તકોને મિત્ર બનાવ્યા હતા. પુસ્તકો મને રોજ થોડું વધુ સારો માણસ બનાવતા ગયા.’’ આ શબ્દ , સાહિત્ય અને પુસ્તકની સાચી શક્તિ છે.
શબ્દોની તાકાત
એક સારો શબ્દ નિરાશ માણસમાં આશા જગાવી શકે છે. એક પ્રેરણાદાયી લેખ કોઈનું આખું જીવન બદલી શકે છે. એક સુંદર પુસ્તક માણસને ખોટા માર્ગ પરથી સાચા માર્ગે દોરી શકે છે. તેથી જ કહેવાય છે કે તલવાર કરતાં કલમ વધુ શક્તિશાળી છે. કારણ કે તલવાર શરીરને જીતી શકે, પરંતુ શબ્દો હૃદયને જીતી લે છે.
આજના યુગની જરૂરિયાત
આજે લોકો કલાકો સુધી મોબાઇલ પર સમય પસાર કરે છે, પરંતુ પુસ્તક વાંચવા માટે થોડી મિનિટો પણ કાઢતા નથી. પરિણામે માહિતી તો ઘણી મળે છે, પરંતુ જ્ઞાન ઓછું મળે છે. માહિતી ક્ષણિક હોય છે, જ્યારે પુસ્તકમાંથી મળતું જ્ઞાન જીવનભર સાથ આપે છે. જે ઘરમાં પુસ્તકો હોય છે ત્યાં વિચારો જન્મે છે, સંસ્કારો વિકસે છે અને સંવાદ સમૃધ્ધ બને છે.
સાહિત્યનું સાચું મહત્વ
સાહિત્ય આપણને જીવન જીવવાની કળા શીખવે છે. તે દુઃખમાં ધીરજ, સુખમાં વિનમ્રતા, નિષ્ફળતામાં હિંમત અને સફળતામાં સંયમ શીખવે છે. સાચું સાહિત્ય માણસને માત્ર ભણેલ નહીં, પણ ગણેલ બનાવે છે.વ્યવહારિક નોલેજ આપે છે. સાહસ,સદભાવના, કરુણા,દયા,પ્રેમ,પરોપકાર જેવા વિષયના પ્રેરક પ્રસંગોના વાંચનની અસર વ્યક્તિના વાણી,વહેવાર અને વર્તનમાં જોવા મળે છે.
અંતિમ સંદેશ
જીવનમાં સંપત્તિ, સત્તા અને પ્રસિધ્ધિ સમય સાથે ઓછી થઈ શકે છે, પરંતુ વાંચનથી મળેલું જ્ઞાન ક્યારેય ઓછું થતું નથી. શબ્દો આપણું વ્યક્તિત્વ ઘડે છે, પુસ્તકો આપણો વિચાર વિસ્તાર કરે છે અને સાહિત્ય આપણું જીવન ઉજ્જવળ બનાવે છે. આથી, જીવનમાં જો સાચા મિત્રોની પસંદગી કરવી હોય તો સારા શબ્દો, ઉત્તમ સાહિત્ય અને શ્રેષ્ઠ પુસ્તકોને મિત્ર બનાવો. પછી જીવનના દ્વારે અજ્ઞાન, અંધકાર અને નકારાત્મકતા દસ્તક આપવાની હિંમત પણ નહીં કરે.
‘‘ઘરમાં પુસ્તક હોય તો એ માત્ર પુસ્તકાલય નથી બનતું, એ ઘર વિચાર, સંસ્કાર અને પ્રકાશનું મંદિર બની જાય છે. શબ્દોને મિત્ર બનાવો, સાહિત્યને માર્ગદર્શક બનાવો અને પુસ્તકોને જીવનસાથી બનાવો-જીવન પોતે જ સફળતાની નવી કથા લખી દેશે.’’