સૌરાષ્ટ્ર કચ્છ અનેગુજરાતની ધરતી ઉપર ઘણા રાજા-મહારાજા થયા, પણ જે રાજવી પોતાના ખેડૂતો અને ગામડાંના માણસોના સુખ અને દુઃખ માં ભાગીદાર બન્યા હોય, તેમાં મહારાજા ભગવતસિંહજીનું નામ ખૂબ આદરથી લેવામાં આવે છે. લોકો આજે પણ કહે છે કે, ‘‘ગોંડલના ભગવતસિંહ બાપુ તો પ્રજાના રાજા હતા.’’
તે જમાનામાં ટ્રેક્ટર ન હતા, ટેમ્પા ન હતા, રસ્તાઓ પણ આજ જેવા ન હતા. ખેડૂત માથા ઉપર નિરણ, ઘાસ, લાકડાંના ભારા કે અનાજના લઈને ગાવોના ગાવ સુધી ચાલીને જતો. ભગવતસિંહજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ગામડાંના રસ્તાઓ ઉપર વિસામા પથ્થર મૂકાવ્યા. બે પથ્થર ઊભા અને ઉપર એક પથ્થર આડો. ખેડૂત પોતાનો ભારો એના ઉપર મૂકે, થોડો આરામ કરે અને પછી ફરીથી માથે ચઢાવી આગળ વધે. આજે પણ ગોંડલ સ્ટેટના કેટલાક ગામોમાં આવા પથ્થરો તેમની યાદ અપાવે છે.
ભગવતસિંહબાપુએ માત્ર માણસની જ નહીં, પશુઓની પણ ચિંતા કરી. ગામડાંમાં પશુઓ માટે હવાડા અને પાણીના કુંડ બનાવડાવ્યા. ઉનાળાની ગરમીમાં ઢોર-ઢાંખર તરસ્યાં ન રહે, એ માટે ખાસ વ્યવસ્થા કરી.
તેમણે ગામડાંને જોડતા રસ્તાઓની બંને બાજુ હજારો વૃક્ષો વાવડાવ્યાં. ખેડૂત ખેતરેથી આવે કે મુસાફર દૂરથી ચાલતો આવે, તો રસ્તામાં થોડો છાંયો મળે. આજે પણ ઘણા વૃક્ષો જાણે ભગવતસિહજીબાપુની સેવા અને સંવેદનાની સાક્ષી આપે છે.
ખેડૂતને પાણી મળે તો ખેતી લીલીછમ બને. આ વાત સમજીને તેમણે કૂવાઓ, તળાવો અને પાણી સંગ્રહની ઘણી વ્યવસ્થાઓ ઊભી કરી. જ્યાં શક્ય હોય ત્યાં સિંચાઈની સુવિધા વધારી. તેના કારણે ઘણા ગામોમાં ખેતી સારી થવા લાગી અને ખેડૂતોની આવક વધી.
ઈ.સ. ૧૮૯૯ના ભયંકર છપ્પનિયા દુષ્કાળમાં આખો પ્રદેશ મુશ્કેલીમાં હતો. ઘણા લોકો પાસે ખાવાનું નહોતું, પશુઓ માટે ચારો નહોતો. ત્યારે ભગવતસિંહજીએ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવાની જગ્યાએ તેમને મદદ કરી, કરમાં રાહત આપી, અનાજ અને ચારા માટે સહાય કરી. આથી પ્રજાએ તેમને પોતાના વાલી તરીકે માન્યા.
ગોંડલ રાજ્યના રસ્તાઓ આખા કાઠિયાવાડમાં વખાણાતા હતા. સારા રસ્તાઓના કારણે ખેડૂતો પોતાની ઉપજ ઝડપથી બજારમાં લઈ જઈ શકતા અને સારો ભાવ મેળવી શકતા. ઉપરાંત, ગોંડલ સ્ટેટ રેલવેના વિકાસથી વેપાર અને ખેતી બંનેને મોટો ફાયદો થયો.
ભગવતસિંહજી બાપુનું માનવું હતું કે ગામડું ભણશે તો જ રાજ્ય આગળ વધશે. તેથી તેમણે ગામડાંમાં શાળાઓ ખોલાવી, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું અને આરોગ્યની સુવિધાઓ પણ ગામો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
મહારાજા ભગવતસિંહજીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ મહેલમાં બેસીને હુકમ કરનારા રાજા નહોતા. તેઓ ગામડાંમાં જતા, ખેડૂતોની વાત સાંભળતા અને તેમની તકલીફને પોતાની તકલીફ માનતા.
એટલે જ આજે પણ સૌરાષ્ટ્રના વડીલો કહે છે –
‘‘રાજા તો ઘણા થયા, પણ ખેડૂતના માથાનો ભાર ઉતારનાર અને ગરીબના દુઃખને સમજનાર ભગવતસિંહજી બાપુ જેવા રાજવી બહુ ઓછા થયા.’’
ખરેખર, ગોંડલના મહારાજા ભગવતસિંહજી માત્ર રાજવી નહોતા, પરંતુ ખેડૂતના હિતચિંતક, ગામડાંના વિકાસના પ્રણેતા અને પ્રજાના સાચા સેવક હતા. તેમના કાર્યો આજે પણ ગ્રામ વિકાસ અને લોકકલ્યાણ માટે પ્રેરણારૂપ છે. આજે પણ ગોંડલ સ્ટેટ દ્વારા બાંધવામાં આવેલો પુલો, શાળાઓ, કોલેજો, અને નમુના રૂપ બાંધકામો ગુણવત્તાની સાક્ષી પુરીને અડીખમ ઊભા છે.
: તિખારો:
સમ ખાઇ, ખોટું બોલીને કે અંધારાંમાં રાખીને નિભાવાતા સંબંધો સ્વાર્થીપણાનાં હોય છે. અંતે આવા સંબંધો સંકોચાઈ જતા હોય છે. અંતે એક દિવસ આવી વ્યક્તિનો નાશ થતો હોય છે.















































