જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ શામળાજી મંદિરે આજે આઇસીસીના ચેરમેન જય શાહે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમના આગમનને લઈને મંદિર પરિસરમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
જય શાહ શામળાજી મંદિર પહોંચતા મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, આગેવાનો અને પૂજારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ભગવાન શામળિયાના ગર્ભગૃહમાં જઈ વિશેષ પૂજા-અર્ચના કરી હતી તેમજ ધાર્મિક વિધિ અનુસાર ભગવાનને ધજા અર્પણ કરી હતી.
આ પ્રસંગે તેમણે ભગવાન શામળિયાના ચરણોમાં નમન કરી દેશની પ્રગતિ, સમાજના કલ્યાણ તેમજ સૌના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે, “દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા
શામળાજી ધામની મુલાકાત લેવાથી યાત્રાધામની ખ્યાતિ વધુ ઉજાગર થાય છે અને ભક્તોમાં પણ ધાર્મિક ભાવનાનો સંચાર થાય છે.” જય શાહના આગમનની જાણ થતાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. અનેક લોકોએ તેમની મુલાકાત દરમિયાન શુભેચ્છાઓ પાઠવી હતી. મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી જેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે.