નવી હળીયાદ પ્રાથમિક શાળામાં નવા સત્રના વિદ્યાર્થીઓ માટે ‘પ્રગતિનો પ્રવેશ ઉત્સવ’ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી તરીકે ગાંધીનગરના સચિવ મયુરસિંહ એમ. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસ.એમ.સી.ના અધ્યક્ષ અસ્મિતાબેન ગાજીપરા, સરપંચ અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.કાર્યક્રમ દરમિયાન પૂર્વ આચાર્ય દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. મુખ્ય અધિકારીએ શાળાને ‘સક્ષમ શાળા એવોર્ડ’ અર્પણ કરી, સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને શાળામાં વૃક્ષરોપણ કર્યું હતું. તેમણે શાળાની સ્વચ્છતા અને પર્યાવરણની પ્રશંસા કરી સ્ટાફને અભિનંદન આપ્યા હતા. અંતે, શાળાના શિક્ષકે આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો અને સ્ટાફની જહેમતથી આ ઉત્સવ સફળ રહ્યો હતો.