અમરેલી શહેરમાં એક ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. પત્નીએ માતાજીના પાઠમાં જવાનું કહેતા પતિએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ જો તે પોલીસ ફરિયાદ કરશે તો પોતે દવા પી જવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે મીનાબેન મકવાણા (ઉ.વ.૨૯)એ તેમના પતિ મહેશભાઈ અશોકભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિ મહેશભાઈ તેમને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. તા. ૨૨/૦૮/૨૦૨૬ના રોજ તેણીએ વરસડા માતાજીના પાઠમાં જવાનું કહેતા, પતિએ ગાળો આપી જાનથી મારી નાખવાના ઈરાદે બાળકોના રમવાના લોખંડના પતરાના ટ્રેક્ટર વડે માથાના પાછળના ભાગે ઘા માર્યો હતો. આ હુમલાના કારણે મીનાબેનને માથામાં છ ટાંકા આવે તેવી ગંભીર ઈજા થઈ હતી.આ ઉપરાંત, જો તે તેના વિરુધ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરશે તો પોતે દવા પી જશે તેવી ધમકી પણ પતિએ આપી હતી. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. ડી. કુવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.