સાવરકુંડલામાં ઉછીના આપેલા રૂપિયા માંગતા જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઉમરભાઈ દાદાભાઈ ડેરૈયા (ઉં.વ.૫૭)એ રૂસ્તમભાઈ તથા રૂસ્તમભાઈના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે રૂસ્તમભાઈને રૂ. ૫,૦૦૦ આપ્યા હતા અને તેમાંથી રૂ. ૩,૦૦૦ પરત આપી દીધા હતા અને બાકીના રૂ. ૨,૦૦૦ દેવાના બાકી નીકળતા હતા. આ રૂપિયા માંગતા બંનેને સારું નહોતું લાગ્યું અને શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો તેમજ ડાબા કાને છરીથી ઇજા પહોંચાડી હતી. આથી તેઓ સાવરકુંડલા સરકારી હોસ્પિટલે સારવારમાં ગયા હતા, તે દરમિયાન બંનેએ પાછળથી આવીને તેમને તથા તેમનાં પત્ની, નાના ભાઈ અને બહેનને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે રૂસ્તમખાન દિલાવરખાન પઠાણ (ઉં.વ.૫૪)એ પણ ઉમરભાઈ દાદાભાઈ ડેરૈયા, બાબુભાઈ દાદાભાઈ ડેરૈયા, ઉમરભાઈનાં પત્ની તથા ઉમરભાઈનાં બહેન સામે સામી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સામેવાળા પક્ષે તેમની પાસેથી હાથ-ઉછીના રૂ. ૫,૦૦૦ લીધા હતા અને તેમાંથી રૂ. ૩,૦૦૦ પરત આપ્યા હતા. બાકીના રૂપિયા અંગે ફોન કરી મળવા બોલાવતા અને આ બાબતે સમજાવતાં સામેવાળા પક્ષને સારું નહોતું લાગ્યું અને લોખંડના પાઈપ વડે મૂંઢમાર માર્યો હતો. તેમને વધુ મારમાંથી તેમના દીકરાએ બચાવ્યા હતા, ત્યારે આરોપીઓએ જતા-જતા ગાળો આપીને બાકીના રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેમના દીકરાના શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો અને તેના ડાબા હાથના બાવડા પર બટકું ભરી ઇજા કરી હતી.









































