આજે ધરતી માતા આપણને વારંવાર ચેતવણી આપી રહી છે. ક્યારેક અસહ્ય ગરમી, ક્યારેક અનિયમિત વરસાદ, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અચાનક પૂર. આ બધું કુદરતનો કોપ નથી, પરંતુ માનવજાતે પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ છે. જો હજુ પણ આપણે નહીં જાગીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
આજે પર્યાવરણ બચાવવું એ માત્ર સરકારનું કામ નથી, શહેરો અને મહાનગરમાં પડતર જમીનનો ઓછી છે જેટલી જગ્યા છે તેનો વૃક્ષારોપણ માટે સદ ઉપયોગ થવો જોઈએ. પરંતુ પર્યાવરણને બચાવવું હોય અને વૃક્ષોની સંખ્યા વધારવી હોય તો સાચી જવાબદારી ગામડાના દરેક ખેડૂત, યુવાન, મહિલા અને દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. કારણ કે આજે ગામડાઓ પાસે ખેતીની જમીન છે અને થોડી ઘણી બાકી વધેલી સરકારી પડતર જમીન અને ગૌચરની જમીનો છે ત્યાં વૃક્ષારોપણ અભિન સૌથી સફળ બની શકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડમાં કે નામ’ અભિયાન શરૂ કરીને સમગ્ર દેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ અપાવ્યો છે. દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ પોતાના લોકસભા વિસ્તારમાં આયોજનબધ્ધ રીતે વૃક્ષો ઉછેરવાનું કાર્ય કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતોને આંબાની કલમો આપવાની સુંદર શરૂઆત કરી છે. સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ જેવી અનેક સંસ્થાઓ પણ વર્ષોથી નિઃસ્વાર્થભાવે વૃક્ષારોપણનું કામ કરી રહી છે. આવા બધા પ્રયાસો ખરેખર અભિનંદનને પાત્ર છે. નામી અને અનામી ઘણા લોકો આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે જે બધા અભિનંદનને પાત્ર છે.
પણ એક વાત દિલ પર હાથ રાખીને પૂછવી પડે… દર વર્ષે લાખો વૃક્ષો વવાય છે, તો પછી હરિયાળી અને વૃક્ષો કેમ ઘટી રહયા છે? સરકારી શાળાઓમાં, કચેરીઓમાં, રસ્તાની બાજુએ વર્ષો સુધી વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. ફોટા પડે છે, સમાચાર છપાય છે. પણ એક વર્ષ પછી એ વૃક્ષો ક્યાં હોય છે? આ સવાલનો જવાબ આપણે બધાએ મળીને શોધવો પડશે.
વૃક્ષ વાવવું સહેલું છે, પણ તેને ઉછેરવું મુશ્કેલ છે. સાચી સેવા તો ત્યારે કહેવાય જ્યારે વાવેલું વૃક્ષ મોટું થાય, પક્ષીઓને માળો બનાવે , પશુઓને છાંયો આપે અને માણસને શુધ્ધ હવા મળે આજે સૌથી વધારે જરૂર છે દેશી કુળના વૃક્ષોની. વડ, પીપળો, લીમડો, આંબો, જાંબુ, ખીજડો, ઉમરો જેવા વૃક્ષો માત્ર છાંયો જ નથી આપતા, પરંતુ હજારો પક્ષીઓ અને જીવસૃષ્ટિનું ઘર બને છે. આજે ચકલી, પોપટ, કોયલ,મોર જેવા અનેક પક્ષીઓ ગામડામાં ઓછા દેખાય છે, કારણ કે તેમના રહેવાના વૃક્ષો આપણે જ કાપી નાખ્યા છે.
મને લાગે છે કે જો ખરેખર પર્યાવરણ બચાવવું હોય તો ખેડૂતોને આ અભિયાનના કેન્દ્રમાં લાવવા પડશે. ખેડૂત પોતાના ખેતરની વાડે, શેઢે અને પડતર જગ્યાએ દેશી વૃક્ષો તથા ફળાઉ બાગાયતી પાક વાવે, તો એક તરફ પર્યાવરણ હરિયાળું બનશે અને બીજી તરફ ખેડૂતની આવક પણ વધશે. આ એક એવો રસ્તો છે જેમાં કુદરત પણ ખુશ અને ખેડૂત પણ ખુશ.
સરકાર પાસે ગૌચરની જમીન, પડતર જમીન, નદી-તળાવના કાંઠા અને જાહેર જમીનોનો મોટો વિસ્તાર છે. જો ગામના લોકો, ગ્રામ પંચાયત, ગૌશાળાઓ, યુવા મંડળો અને ખેડૂતોને સાથે રાખીને પાંચ વર્ષના જતન સાથે વૃક્ષારોપણ કરવામાં આવે તો આખો વિસ્તાર લીલોછમ બની શકે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામના એક ખેડૂતે પોતાના પરિશ્રમથી લગભગ ૧૧ હજાર જેટલા દેશી કુળના વૃક્ષો ઉછેરી બતાવ્યા છે. આવા લોકો કોઈ એવોર્ડ કે પ્રસિધ્ધિ માટે કામ કરતા નથી. તેઓ તો આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવા માટે જીવતા હોય છે.
દુઃખની વાત એ છે કે સમાજ આજે આવા નિઃસ્વાર્થ સેવકોને ભૂલી જાય છે. ઘણીવાર સત્તા, પૈસા અને પ્રભાવ ધરાવતા લોકો નું બહુમાન થાય છે, પરંતુ ધરતી માતાની સેવા કરનાર ખેડૂત, વૃક્ષ ઉછેરનાર અને પ્રકૃતિના રખેવાળાને યોગ્ય સ્થાન મળતું નથી. હવે સમય આવી ગયો છે કે સન્માનના માપદંડ બદલીએ. જે વ્યક્તિ સમાજને ઓક્સિજન આપે છે, જંગલ બચાવે છે, પક્ષીઓને ઘર આપે છે અને ધરતીને જીવંત રાખે છે, તે જ સાચા અર્થમાં સમાજના સમાજસેવકો છે. જે ફોટો અને વીડિયોમાં ઓછા દેખાય છે કે કાર્યક્રમમાં દાન આપી શકતા નથી શું આવા લોકોને ભૂલી જવા એટલે સમાજ આંધળો બનીને ખોટા લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહ્યો છે
આજે આપણે માત્ર એક સંકલ્પ કરવાની જરૂર છે ‘વૃક્ષ વાવીને ભૂલી જવાનું નહીં, વૃક્ષને જીવતું રાખવાનું.’ દરેક ખેડૂત વર્ષમાં દસ દેશી વૃક્ષો ઉછેરે, દરેક ગામ પોતાની ગૌચરની જમીન હરિયાળી બનાવે અને દરેક પરિવાર પોતાના બાળકોના નામે એક વૃક્ષ ઉછેરે, તો થોડાં જ વર્ષોમાં ગુજરાત અને ભારત ફરીથી હરિયાળું બની શકે.
યાદ રાખજો… રસ્તા, મકાનો અને કારખાનાઓ વિકાસનું પ્રતીક હોઈ શકે, પરંતુ જીવતું વૃક્ષ જ જીવનનું પ્રતીક છે. જે ખર્ચ આજે જાહેર સ્થળે વૃક્ષારોપણ અને એની માવજત પાછળ થાય છે એટલો જ ખર્ચ જો ખેડૂતોને બાગાયત ખેતી અને એગ્રી ફોરેસ્ટ્રી ખેતી માટે આપવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ પર્યાવરણ ક્ષેત્ર મળી શકે ચોમાસાની શરૂઆત છે આવો એક વૃક્ષ વાવીએ.
: તિખારો:
આજે ભલે કોઈ અન્યાય કરીને હસતું હોય કે ખોટું કરીને પ્રસિધ્ધ થવાનો શોખ રાખવું હોય પણ સમય શાંતિથી દરેક ઘટનાનો હિસાબ લખતો હોય છે. કોઈનું ખરાબ કરીને કે કોઈને પાડીને જીતનો ગર્વ ન કરશો. કારણ કે કર્મ જ્યારે હિસાબ માગે છે ત્યારે માણસ પાસે કોઈ બહાનું બચતું નથી














































