અમદાવાદ શહેરના વાહનચાલકો અને અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ખાતે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી પ્રાદેશિક પરિવહન કચેરીનું નવનિર્મિત ભવન હવે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અદ્યતન કચેરીનું ભવ્ય ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી અને ગૃહ તથા પરિવહન રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ આરટીઓના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવેથી આરટીઓમાં કોઈની પણ ભલામણથી ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવશે નહીં.તેમણે એમ પણ જણાવ્યું હતું કે એટલું જ નહીં, ખુદ હર્ષ સંઘવીની ભલામણ હશે તો પણ લાઈસન્સ નહીં નીકળે! હવે માત્ર અને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ સિસ્ટમ જેને પાસ કરશે તેને જ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવશે. વાહન ચલાવતાં આવડતું હશે તો જ નગારિકો લાઈસન્સ મેળવી શકશે, જેનાથી રોડ સેફ્ટી વધુ મજબૂત બનશે.અમદાવાદ શહેરના વાહનચાલકો માટે આ નવનિર્મિત પ્રાદેશિક પરિવહન કચેરી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. ૬૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ ભવ્ય અને અદ્યતન ભવનના કારણે જૂની કચેરીની સરખામણીએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ આધુનિક કચેરી કાર્યરત થતાં જ હવે હજારો અરજદારોને રોજિંદી હાલાકી અને એજન્ટોના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળશે.








































