સૌરાષ્ટ્રની ઓળખ માત્ર ગીરની ધરતી, દરિયાકાંઠો કે શૂરવીરોની ભૂમિ તરીકે તો છે જ પણ અહીંના ગામડાંની ઓળખ ખેતી અને પશુપાલન સાથે પણ એટલી જ ગાઢ રીતે જોડાયેલી છે. ગામડાના ફળિયામાં બાંધેલી ગાય-ભેંસ, સવારના દૂધ દોહવાના દ્રશ્યો અને ખેતરમાં કામ લાગતું પશુધન, આ બધું સૌરાષ્ટ્રના ગ્રામજીવનનો એક ભાગ રહ્યું છે. પણ અફસોસ કે પશુપાલન એ સૌરાષ્ટ્રની જનતા માટે રોજગારીનું કેન્દ્રના બની શક્યું અને ખેડૂતો તેમજ પશુપાલકો માટે નિરાશા જ રહી.
ગીર ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠિયાવાડી અશ્વ જેવી જાતિઓ સૌરાષ્ટ્રને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. આપણા બાપદાદાએ વર્ષોની મહેનત અને અનુભવથી આ પશુધનની જાળવણી કરી છે. આજે સમય બદલાયો છે, જીવન જીવવાની રીત બદલાઈ છે અને ગામડાના યુવાનો રોજગારી માટે શહેરો તરફ જતા થયા છે. તેના કારણે પશુપાલનનો પરંપરાગત વ્યવસાય કેટલીક જગ્યાએ નબળો પડ્‌યો છે. પરંતુ પશુપાલનનો સમય ગયો નથી. જરૂર છે તો તેને નવી રીતે જોવાની. ગીર ગાયની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રના માણસનું માથું ગર્વથી ઊંચું થાય તે સ્વાભાવિક છે. આપણી ગીર ગાયની કદર માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ થઈ છે. બ્રાઝિલમાં ગીર પશુઓ પહોંચ્યા અને ત્યાંના પશુપાલકોએ તેની વિશેષતાઓને ઓળખી. વર્ષ ૧૯૬૦માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલના પશુપાલકને ‘કૃષ્ણ’ નામનો ગીર સાંઢ આપ્યો હતો. ત્યારબાદ બ્રાઝિલમાં ગીરના સંવર્ધનને વેગ મળ્યો. ગીર અને હોલસ્ટીનના સંકરણથી ગીરોલાન્ડો જેવી દૂધાળ જાતિનો વિકાસ થયો, જે ત્યાંના ડેરી ક્ષેત્રમાં મહત્વની બની.
આ ઇતિહાસ આપણને એક વાત શીખવે છે. આપણી પાસે જે હતું તેની કિંમત દુનિયાએ સમજી, તો આપણે પોતે તેની કિંમત કેટલી સમજી છે તે પણ વિચારવું જોઈએ. સૌરાષ્ટ્રમાં પશુપાલન માટે કુદરતી રીતે અનુકૂળ વાતાવરણ છે. ઘણી જગ્યાએ સારી અને ઉપજાઉ જમીન છે. ગીરનું જંગલ અને આસપાસના વિસ્તારોમાં ચરિયાણની પરંપરા રહી છે. જંગલ અને જંગલ આસપાસ રહેતા માલધારીઓ ને વન વિભાગ ત્રાસ આપવામાં કશું બાકી રાખ્યું નહીં એ પણ નોંધવું રહ્યું.પશુપાલનનો અનુભવ તો અહીંના ઘરના વડીલો પાસેથી જ શીખવા મળે છે. હવે પાણીની ઉપલબ્ધતામાં પણ મોટો ફેરફાર થવાની આશા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રના અનેક જળાશયો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ થયું છે. પાણીની ઉપલબ્ધતા વધશે અને ખેતરમાં લીલો ચારો ઉગાડી શકાય, ઘાસચારો સાચવી શકાય અને ખેતીની સાથે પશુપાલનને પણ મજબૂત આધાર મળી શકે.
આ બાબતમાં ઉત્તર ગુજરાત પાસેથી ઘણું શીખવા જેવું છે. ત્યાં ઘણા ગામોમાં ખેતી જીવનનિર્વાહનું સાધન છે, જ્યારે પશુપાલન અને ડેરી ઘર ચલાવવાનો મુખ્ય વ્યવસાય બન્યા છે. કારણ પણ સીધું છે. ખેતીનો પાક તૈયાર થાય ત્યારે આવક મળે છે, જ્યારે પશુપાલનમાંથી દૂધ વેચીને રોજની આવક મેળવી શકાય છે.
ગામડાના પરિવાર માટે રોજની આવકનું મહત્વ શું છે તે ગામડામાં રહેનાર માણસ સારી રીતે સમજે છે. ઘરમાં કોઈ ખર્ચ આવ્યો તો દૂધની આવક કામ આવે છે. બાળકોનું ભણતર હોય, ઘરનો ખર્ચ હોય કે ખેતીમાં જરૂરિયાત ઊભી થાય, રોજ મળતી આવક મોટો સહારો બને છે.
દૂધ અને દૂધની બનાવટોની વાત કરીએ તો તેની જરૂરિયાત જીવન સાથે જોડાયેલી છે. દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, માખણ, માવો જેવી વસ્તુઓનું બજાર હંમેશા રહેવાનું છે. ભાવમાં વધઘટ થઈ શકે, પરંતુ લોકોની જરૂરિયાત બંધ થવાની નથી.
અહીંથી સૌરાષ્ટ્રના પશુપાલક માટે નવી તક ઊભી થાય છે. માત્ર દૂધ મંડળીમાં દૂધ ભરાવીને અટકી જવાને બદલે ગામડામાં જ દૂધનું મૂલ્યવર્ધન થાય તો પશુપાલકની આવક વધી શકે. ઘી, દહીં, છાશ, પનીર જેવી વસ્તુઓનું સ્વચ્છ રીતે ઉત્પાદન, સારું પેકિંગ અને પોતાની ઓળખથી વેચાણ થાય તો દૂધની કિંમત કરતાં વધારે આવક મેળવી શકાય.
પશુમાંથી મળતું છાણ અને ગૌમૂત્ર પણ હવે પહેલાં જેવી રીતે માત્ર કચરો માનવાની જરૂર નથી. પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી તરફ લોકોનો રસ વધ્યો છે. છાણમાંથી ખાતર, વર્મીકમ્પોસ્ટ અને ખેતીમાં ઉપયોગી વિવિધ ઉત્પાદનો બનાવી શકાય છે. ગૌમૂત્રમાંથી વિવિધ અકૅ, જીવામૃત અને ખેતીના પાકો માટે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરી શકાય છે
આ રીતે જોવામાં આવે તો પશુ માત્ર દૂધ આપતું પ્રાણી નથી. તે ખેતર સાથે જોડાયેલું આખું આર્થિક ચક્ર છે. ખેતરમાંથી ચારો મળે, પશુમાંથી દૂધ મળે, છાણ ખેતરમાં પાછું જાય અને દૂધમાંથી રોજની આવક થાય. આ વ્યવસ્થા આપણા ગામડામાં પહેલાંથી હતી. હવે તેને આધુનિક પધ્ધતિથી ફરી મજબૂત કરવાની જરૂર છે. સૌરાષ્ટ્રમાં જો યુવાનોને સારી જાતિના પશુ, પશુ આરોગ્ય, સારો ચારો, ડેરી પ્રોસેસિંગ, પશુ ખરીદવા માટે તેમજ તેને આનુસંગિક વ્યવસ્થાઓ ઊભી કરવા વન ટાઈમ સહાય આપવામાં આવે,બજાર વ્યવસ્થા અને ધંધાકીય તાલીમ મળે તો પશુપાલન ફરી ગામડાના યુવાનો માટે સારો વ્યવસાય બની શકે છે. સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને આ દિશામાં ઘણું કામ થઈ શકે છે. યુવા શક્તિએ રોજગારી માટેનું વ્યવસાયલક્ષી કેન્દ્ર પશુપાલન ને બનાવીને સૌથી સારી આવક આ ક્ષેત્રમાં મેળવી શકાય છે. આપણે ગીર ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠિયાવાડી અશ્વને માત્ર જૂના સમયની નિશાની તરીકે જોવાના નથી. આ આપણી આવતીકાલની સંપત્તિ બની શકે છે.
સૌરાષ્ટ્રનો ખેડૂત મહેનતુ છે. જમીન છે, પશુધન છે, પાણીની આશા છે અને વર્ષોની પરંપરા છે. હવે આ બધાને એકસાથે જોડીને પશુપાલનને માત્ર સહાયક ધંધો નહીં, પરંતુ ગામડાની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર બનાવવાની જરૂર છે.
ખેતીથી ઋતુ પ્રમાણે આવક મળે છે, પશુપાલનથી રોજની આવક મળે છે અને બંને સાથે ચાલે તો ગામડાના ઘરમાં આર્થિક સ્થિરતા આવે છે. સૌરાષ્ટ્રે ગીર ગાય દુનિયાને આપી છે. હવે સમય આવ્યો છે કે આ ગીરની ધરતી પોતે પણ પોતાના પશુધનમાંથી સમૃધ્ધિ ઊભી કરે.
આપણા બાપદાદાનો પશુપાલનનો વારસો સાચવવો છે તો તેને નવી પેઢીના હાથમાં માત્ર દોરડું આપીને નહીં, પરંતુ જ્ઞાન, વિજ્ઞાન, બજાર અને વ્યવસાયની સમજ આપીને સોંપવો પડશે. સૌરાષ્ટ્રના ગામડાંમાં પશુપાલન ફરીથી મજબૂત યુવાનો થકી જ બની શકે અને જો બને તો રોજગારી આપતું કેન્દ્ર પશુપાલન જ બનશે અને ગામડાની અર્થવ્યવસ્થામાં નવી જાન આવશે.

:: તિખારો::
ભૂલો સ્વીકારવાથી માણસ નાનો નથી બનતો પરંતુ સંબંધોમાં વિશ્વાસ અને વફાદારી ઊભા થાય છે. એટલે જ્યાં વિશ્વાસ જીવંત છે ત્યાં હજારો ભૂલો પણ માફ છે. બાકી એક નાની ગેરસમજ પણ ગમે તેવા સારા સંબંધોના વિનાશ માટે પૂરતી છે.