જામનગર જિલ્લાના જાડિયા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર ઘટના સામે આવી છે. જાડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે વીજ કરંટ લાગતા માતા અને તેના દોઢ વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો મુજબ, જોડિયાના ટીંબડી ગામે આવેલા એક વાડી વિસ્તારમાં આ શ્રમિક પરિવાર મજૂરી કામ અર્થે રહેતો હતો. સામાન્ય દિવસની જેમ જ પરિવાર પોતાના કામમાં વ્યસ્ત હતો, તે દરમિયાન અચાનક ચોંકાવનારી ઘટના ઘટી હતી. ૨૨ વર્ષીય શ્રમિક મહિલા ગીતાબેન નાયક અને તેમનો દોઢ વર્ષનો માસૂમ પુત્ર રાજેશ વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે અચાનક જ જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતાં બંનેને જારદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ એટલો ભયાનક હતો કે બંને ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ કાળજાના ટુકડા એવા માસૂમ પુત્ર રાજેશ અને માતા ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ જોડિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાડી વિસ્તારમાં વીજ લાઈનમાં ખામી સર્જાવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. દોઢ વર્ષના માસૂમ અને યુવાન માતાના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.









































