ગુજરાતમાં દીપડા અને સિંહના આતંક બાદ હવે મગરે એક માનવીનો શિકાર કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના હાલ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારા ગામે મગરે પત્ની અને બાળકની નજર સામે એક ગરીબ ખેતમજૂર પર જીવલેણ હુમલો કરીને તેને નદીમાં ખેંચી જઈ મોતના ઘાટ ઉતારી દીધો હોવાનો કાળજું કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે વન્ય પ્રાણીઓના વધતા જતા આતંકને લઈ વન વિભાગ હાલ એક્શન મોડમાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજ્યમાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓના આતંકની વચ્ચે વડોદરાના ડભોઈમાં મગરના ઘાતકી હુમલામાં બજારિયાભાઇ નશરૂભાઈ નાયક નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ, વડોદરા ડભોઈના પારા ગામે મૃતક બજારિયા નાયક પોતાની પત્ની અને બે નાના માસૂમ બાળકો સાથે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટના સમયે તે પોતાના પરિવારને નદીના કિનારે બેસાડીને પોતે નદીમાં નાહવા માટે ગયો હતો, ત્યારે જ પાણીમાં નજર ટાંપીને બેઠેલો વિશાળ મગર અચાનક ત્રાટકયો હતો અને યુવકને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
પોતાના પતિને મગર ખેંચી જતો જાઈને પત્નીએ ભારે બૂમાબૂમ અને રાડારોડ મચાવી મૂકી હતી, જેથી આસપાસના ગ્રામજનો તાત્કાલિક નદી કિનારે દોડી આવ્યા હતા અને યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જાકે ભારે જહેમત બાદ ગ્રામજનોને સફળતા ન મળતા યુવક મોતને ભેટ્યો હતો. જેથી લોકો મગરના મુખમાંથી મૃતદેહને છોડાવી નદીની બહાર કાઢ્યો હતો. ત્યારે આ દુખદ ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને ચાંદોદ પોલીસ તેમજ ડભોઇ વન વિભાગે (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તાજેતરના સમયમાં સિંહના હુમલાની પણ ચાર-ચાર ગંભીર ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં અમરેલી જિલ્લામાં બનેલી બે જુદી-જુદી ઘટનાઓમાં એક પરપ્રાંતિય શ્રમિક અને એક નાના માસૂમ બાળકનું સિંહના હુમલામાં મોત થયું હતું. આવી જ રીતે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામે પણ સિંહના હુમલામાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા અને હુમલાની ઘટનાઓ તો અવારનવાર બને જ છે, ત્યારે હવે મગરના આ નવા આતંકથી સ્થાનિકોમાં ભયનો ભારે માહોલ જાવા મળી રહ્યો છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મગરના આતંકની આવી ઘટનાઓ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મગરો અવારનવાર પૂરના પાણી સાથે વડોદરા શહેરમાં અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા હોય છે. ભૂતકાળમાં પણ વડોદરાના શહેરી વિસ્તારમાં મહાકાય મગર રસ્તા પર દોડતા હોવાના ફોટા-વીડિયો વાયરલ થઈ ચુક્યા છે, જેને કારણે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોમાં હંમેશા ફફળાટ અને ચિંતાનો માહોલ રહે છે. હવે દીપડા અને સિંહના આતંક બાદ મગર દ્વારા માનવીના શિકારની આ ઘટનાને તંત્ર કેટલું ગંભીરતાથી લે છે અને આ મુદ્દે શું કાર્યવાહી કરે એ જાવું રહ્યું!