ઉના શહેરમાં એક મુસ્લિમ પરિવારમાં ઘરેલુ ઝઘડો લોહિયાળ ઘટનામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરમાં રહેતો ૫૦ વર્ષીય ખલીલ દાઉદભાઈ કાદીયાત દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આજે બપોરે તે દારૂના ભારે નશામાં ઘરે પહોંચ્યો હતો. ઘરે આવ્યા બાદ પત્ની સમીમબેન સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ખલીલે ઘરમાં પડેલો મોટો પથ્થર ઉપાડી પત્નીના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. ગંભીર ઇજા થતાં સમીમબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ખલીલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.









































