શહેરમાં મામા અને ભાણીના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. માત્ર ૧૩ વર્ષની સગીર ભાણી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેનાર પાપી મામાને કોર્ટે દોષિત ઠેરવીને મરણ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. પોક્સો એક્ટ અને આઇપીસી હેઠળ નોંધાયેલા આ કેસમાં વૈજ્ઞાનિક પુરાવા અને ડીએનએ રિપોર્ટ આરોપીની ગુનાહિતતા સાબિત કરવામાં નિર્ણાયક પુરવાર થયા હતા.
આ કમકમાટીભરી ઘટના વર્ષ ૨૦૨૦માં અમદાવાદના રાણીપ વિસ્તારમાં સામે આવી હતી. પીડિત સગીરા પોતાની માતા અને નાના ભાઈ સાથે રહેતી હતી, જ્યારે ૩૦ વર્ષીય આરોપી (પીડિતાની માતાનો પિતરાઈ ભાઈ) સંબંધમાં મામા થતો હોવાથી છેલ્લા દોઢ વર્ષથી આ જ પરિવાર સાથે આશરો લઈ રહ્યો હતો. જ્યારે સગીરાની માતા રાત્રિના સમયે મજૂરી કે કામ અર્થે બહાર જતી, ત્યારે નરાધમ મામા તેના નાના ભાઈને કોઈને કોઈ બહાને ઘરની બહાર મોકલી દેતો હતો. ત્યારબાદ એકલતાનો લાભ ઉઠાવી, સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે વારંવાર તેની હવસનો શિકાર બનાવતો હતો.
લાંબા સમય સુધી ચાલેલા આ શારીરિક અત્યાચારને કારણે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પેટમાં અસામાન્ય ફેરફાર થતાં જ્યારે તબીબી તપાસ કરાવવામાં આવી, ત્યારે હોÂસ્પટલના રિપોર્ટમાં સગીરા ૨૧ અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ આગ્રહપૂર્વક પૂછપરછ કરતાં જ ડરી ગયેલી પુત્રીએ નરાધમ મામાની કાળી કરતૂતોની સમગ્ર આપવીતી કહી સંભળાવી હતી.
જે બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પીડિતાની ગંભીર Âસ્થતિને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટની વિશેષ મંજૂરી મેળવીને તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા મજબૂત દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કેસને સચોટ સાબિત કરવા માટે ૧૯ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી, તેમજ ૪૦ જેટલા દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
આ કેસમાં સૌથી મજબૂત કડી એફએસએલનો ડીએનએ રિપોર્ટ બન્યો હતો. ગર્ભપાત દરમિયાન મેળવાયેલા ગર્ભના નમૂના અને આરોપીના બ્લડ સેમ્પલ વચ્ચે મેચિંગ થતાં વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું કે આરોપી જ તે ગર્ભનો જૈવિક પિતા હતો. માનનીય કોર્ટે તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખતા પોતાના ચુકાદામાં આકરી ટિપ્પણી કરી હતી કે, આરોપીએ પવિત્ર પારિવારિક સંબંધ અને વિશ્વાસનો ક્રૂરતાપૂર્વક દુરુપયોગ કર્યો છે. ૧૩ વર્ષની માસૂમ બાળકી પર થયેલા માનસિક અને શારીરિક અત્યાચારને ગંભીર ગણીને કોર્ટે આરોપીને કોઈ પણ પ્રકારની દયા વગર આજીવન કેદની સજા અને કાયદા મુજબના દંડનો આદેશ કર્યો છે.