ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બિહાર અને મધ્યપ્રદેશની બેઠકોની સાથે જાહેર થયેલી આ ચૂંટણી અંતર્ગત માંજલપુર બેઠક પર આગામી ૩૦ જુલાઈએ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે ૩ ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકીય ફલક પર જબરો ગરમાવો આવી ગયો છે અને ભાજપ પોતાની જીત માટે સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યું છે.
વડોદરાની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, આ પેટાચૂંટણી માટે આગામી ૬ જુલાઈએ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ ટૂંકા ગાળામાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવાના રહેશે, જેને પગલે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ચૂંટણીની જાહેરાત અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા ડા. અનિલ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, પક્ષ દ્વારા અત્યારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ જુલાઈ હોવાથી, ભાજપ તે પહેલાં જ પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેશે. પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાવવા માટે સંગઠન અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે.બીજી તરફ, માંજલપુર બેઠક ભાજપ માટે સેફ ગણાતી હોવાથી પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે હોડ જામી છે. દાવેદારોની લાંબી યાદી વચ્ચે હાઈકમાન્ડ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે અને કયા ચહેરાને મેદાને ઉતારે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રદેશ નેતાગીરી આ બેઠક રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતવા માટે એડીચોટીનું જાર લગાવી રહી છે.









































