અમરેલી જિલ્લાના જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ અંગે જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ ધર્મેશકુમાર બારૈયાએ સાવરકુંડલા PGVCLના કાર્યપાલક ઈજનેરને લેખિત અરજી કરી છે.અરજી અનુસાર, આ મચ્છીમારી વિસ્તારમાં પુરુષો દરિયામાં હોય છે અને સ્ત્રીઓ મચ્છી સુકવવાના કામમાં વ્યસ્ત રહે છે, જેથી ઘરોમાં માત્ર બાળકો,
વૃધ્ધો અને બીમાર વ્યક્તિઓ જ હોય છે. ઉનાળાની સખત ગરમી વચ્ચે રાત્રે વારંવાર વીજળી ગુલ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. વળી, આ કાંઠાળ વિસ્તાર રેવન્યુ વિસ્તારને અડીને આવેલો હોવાથી સિંહ અને દીપડા જેવા વન્યજીવોના આતંક વચ્ચે અંધારાને કારણે જોખમ વધી જાય છે.