ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમરેલી જિલ્લાની મુલાકાત લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. અમરેલી જિલ્લાની ભૌગોલિક અને રાજકીય સ્થિતિને ધ્યાને લેતા અહીં ૬ નગરપાલિકા, ૧ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, જે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. પ્રદેશ પ્રમુખના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર કરવાનો તેમજ પાયાના સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.દેશ પ્રમુખના પ્રવાસની શરૂઆત વહેલી સવારથી જ શિસ્તબદ્ધ રીતે થઈ હતી. સવારે ૯ વાગ્યે તેઓએ અમરેલી શહેરના ચિતલ રોડ પર સ્થિત શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ અમિતભાઈ રાજપરાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ હીરામોતી ચોક પાસે આવેલી પટેલ સમાજની વાડી ખાતે અમરેલી શહેરના વોર્ડ નં. ૬ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે પેજ સમિતિ અને બુથ લેવલની કામગીરી સૌથી મહત્વની છે. ત્યારબાદ લોડ્ર્સ હોટલ ખાતે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સવારે સલડી ગામના માર્ગ પર ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ લીલીયા ખાતે આયોજિત વિજય સંકલ્પ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી. અહીં લીલીયા અને ક્રાકચ જિલ્લા પંચાયત બેઠકના મતદારો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ કરી હતી. બપોરે ૧ વાગ્યે લાઠીના કડવા પટેલ સમાજની વાડી ખાતે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી, જેમાં લાઠી, દામનગર અને બાબરા વિસ્તારના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ તેઓએ બપોરે ૨ઃ૧૫ વાગ્યે સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમની સાથે મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્યો જનક તળાવિયા, મહેશ કસવાળા, જે.વી. કાકડિયા અને હીરાભાઈ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ સતત ઉપસ્થિત રહ્યા હતા.







































