રાજુલામાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે પાડોશીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી એક યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. વાલજીભાઈ ભાણાભાઈ ભીલે સુભાષભાઇ રવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીના ઘરની દીવાલ પાસે કચરાનો ઢગલો હતો. જેથી તેના પત્ની નીતાબેન કચરો નાખે છે તેવું આરોપીએ મનમાં રાખી ફરિયાદીના ઘર આગળ આવી તેમના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમણે આરોપીને ગાળો નહીં બોલવા સમજાવતા આરોપીએ તેમને પણ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત હાથમાં લોખંડનો પાઇપ લઇ મોઢાના ભાગે પાઇપ મારી હોઠ ઉપર તથા દાંતમાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.









































