શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લિ.ની બગસરા શાખાના ચેક રિટર્ન કેસમાં બગસરા કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને છ માસની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ, નટવર નગરના રહેવાસી દીપકભાઈ લવજીભાઈ ધાડિયાએ મંડળીમાંથી રૂ. ૧,૫૦,૦૦૦ની લોન લીધી હતી. જેની ચડત રકમ રૂ. ૨,૦૫,૮૪૩ ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક અપૂરતા ફંડના કારણે પરત ફર્યો હતો.મંડળીના મંત્રી જયદીપભાઈ હિરપરા દ્વારા આ અંગે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બગસરા કોર્ટમાં કેસ ચાલતા મંડળી તરફે વકીલ પી.ડી.દાંતી (ગઢવી) અને વિશાલ જે. માળવીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને છ માસની જેલની સજા તેમજ ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાથી લોન મેળવી નાણાં પરત ન કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.