ધારીના ગોવિંદપુર ગામની પરિણીતા સાસરી પક્ષના શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરી પક્ષના કુલ ૬ સભ્યો સામે કરિયાવર બાબતે મેણાટોણા મારવા, ગાળાગાળી કરવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોવિંદપુર ગામે રહેતી હેતલબેન ભગુભાઇ સોંદરવાએ મૂળ સાવરકુંડલાના ફાચરિયા ગામના અને હાલ સુરત રહેતા પતિ જીતુ ઉર્ફે પ્રકાશભાઇ પ્રેમજીભાઇ માધડ, પ્રેમજીભાઇ જીવાભાઇ માધડ, દેવુબેન પ્રેમજીભાઇ માધડ, ચકુબેન દિપકભાઇ પરમાર, દયાબેન પ્રફુલભાઇ સોંદરવા તથા પ્રવિણભાઇ જીવાભાઇ માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જ્યારે પોતાના સાસરે હતી ત્યારે તેના પતિ જીતુ ઉર્ફે પ્રકાશ પ્રેમજીભાઇ માધડ દ્વારા તેને સતત એવું કહીને ટોણા મારવામાં આવતા હતા કે, તારા પિતાએ કરિયાવરમાં કંઈ આપ્યું નથી અને તું કાંઈ લાવી નથી. આ ઉપરાંત, પરિવારના અન્ય સભ્યો દ્વારા પણ ફરિયાદીને અવાર-નવાર પરેશાન કરવામાં આવતી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાસરી પક્ષના અલગ-અલગ સભ્યો દ્વારા ફરિયાદી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. ઉપરાંત તમામ ૬ આરોપીઓએ એકસંપ થઈને પરિણીતાને શારીરિક અને માનસિક રીતે તોડી પાડવા માટે મેણાટોણા, ગાળાગાળી અને ધમકીઓ આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી.