પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કુલ ૨.૭૯ કરોડ રૂપિયાના આ આર્થિક વ્યવહારોમાં હિસાબી અધિકારીએ ખાનગી એજન્સીઓ સાથે મળીને સરકારને ચૂનો લગાવ્યો છે. ઓડિટ પ્રક્રિયા દરમિયાન આ સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હિસાબી અધિકારી પૂજન જાશી અને નિતિન પટેલે ભેગા મળીને આ આખું ષડયંત્ર ઘડ્યું હતું. આ બંને શખ્સોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ડીપીઇઓની બોગસ સહી કરી હતી. સહીના આધારે નેટ બેંકિંગ મારફતે સરકારી નાણાં ખાનગી ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે વર્ષ ૨૦૨૪-૨૫ અને વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સરકારી તિજારીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા હતા.
કૌભાંડીઓએ કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી બતાવી હતી. આ સાધનોની ખરીદી માટે રાજકોટ અને ગોધરાની ૪ ખાનગી એજન્સીઓના નામે બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા હતા. હકીકતમાં કોઈ સાધનોની ખરીદી કર્યા વગર જ કાગળ પર ઓર્ડર બતાવીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.
ઓડિટમાં ભ્રષ્ટાચાર પકડાઈ જતાં હવે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૪ ખાનગી એજન્સીઓ સહિત કુલ ૬ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્્યતા નકારી શકાતી નથી.