સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે ચૂંટણીની અદાવત રાખી એક શખ્સે ભાજપના ચૂંટણી એજન્ટ પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. પૂનમના દિવસે જ્યારે ભાજપના ચૂંટણી એજન્ટ પ્રસાદ લેવા ગયા હતા, ત્યારે આરોપીએ જાહેરમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે નટુભાઇ બિસુભાઇ ખુમાણે કનુભાઇ બાઘુભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ મોલડી ગામના વોર્ડ નં. ૨ માં ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે આરોપી કનુભાઇ બાઘુભાઇ ખુમાણ ત્યાં આવી જોરજોરથી બોલતા હતા. જેથી તેમણે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અહીં કોઈ બોગસ મતદાન નહીં કરવા દઉં. આ વાતની અદાવત આરોપીએ મનમાં રાખી હતી. ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે પૂનમ નિમિત્તે બાળકોને ગુંદી-ગાંઠિયાની પ્રસાદી વહેંચવામાં આવી રહી હતી ત્યારે તેઓ પોતાની કાકાની દીકરીને લઈને ત્યાં પ્રસાદ લેવા ગયા હતા, ત્યારે આરોપી કનુભાઇએ ત્યાં આવીને કહ્યું કે, ‘તું ચૂંટણીના દિવસે બહુ ઉલળતો હતો.’ તેમ કહી બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે ગાળો આપવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના હાથમાં રહેલી કુહાડી વડે ફરિયાદીના ડાબા પગના ગોઠણ અને પીંડીના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેને મૂઢ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારુ વધુ તપાસ કરી રહ્યા છે.